- રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાની ‘લાજ’ બચાવી
- ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી
- ગાવસ્કરે જુરેલની સરખામણી એમએસ ધોની સાથે કરી
રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જે રીતે ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ કરી અને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. હવે તેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્રીજા દિવસે કોમેન્ટ્રી દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જુરેલના વખાણ કર્યા અને તેની સરખામણી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે કરી હતી. જે બાદ સુનીલ ગાવસ્કરના આ નિવેદન પર ધ્રુવ જુરેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મહાન કેપ્ટન એમએસ ધોનીની સરખામણીમાં ધ્રુવ જુરેલ પણ ઘણો ખુશ દેખાયો હતો.
ધ્રુવ જુરેલની પ્રતિક્રિયા
ત્રીજા દિવસે ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 300થી વધુ રન બનાવી શકી હતી. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે ધ્રુવ જુરેલની માનસિક ક્ષમતા જોઈને મને લાગે છે કે તે આગામી એમએસ ધોની છે. જે બાદ ધ્રુવ જુરેલે ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ કહ્યું હતું કે સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજને મારા વિશે વાત કરતા સાંભળીને સ્વાભાવિક રીતે ખૂબ જ સારું લાગે છે. મૂડ સરસ હતો, ટીમ મેન્જેમન્ટ તરફથી મને કોઈ ચોક્કસ સૂચનાઓ ન હતી… માત્ર મારે મારી નેચરલ રમત રમાવાની હતી.
ધ્રુવ જુરેલ સદી ચૂક્યો
સદી ચૂકી જવા અંગે ધ્રુવ જુરેલે કહ્યું કે આ મારી પ્રથમ ટેસ્ટ સિરીઝ છે અને મને મારી સદી પૂરી ન થવાનો કોઈ અફસોસ નથી. હું મારા હાથમાં ટ્રોફી પકડવાની રાહ જોઈ રહ્યો છું. ભારતીય ટીમ માટે રમવું બાળપણથી જ મારું સપનું રહ્યું છે. ધ્રુવ જુરેલને ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી ધ્રુવ જુરેલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પછી તે બેટિંગ હોય કે વિકેટકીપિંગ.


