- ઉજ્જૈનની વેધશાળામાં 80 ફૂટ ઊંચા ટાવર પર વૈદિક ઘડિયાળ મૂકવામાં આવી
- વૈદિક સમય ઉપરાંત સૂર્યોદય-સૂર્યાસ્તના સમય, ગ્રહણ સહિત ઘણી માહિતી મળશે
- વૈદિક ઘડિયાળ ઇન્ટરનેટ, GPS સાથે જોડાયેલી રહેશે
દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી એક એવી મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનના નામે વધુ એક સિદ્ધિ લખાઇ રહી છે. ઉજ્જૈનના ગઉઘાટ સ્થિત જીવાજીરાવ વેધશાળા ખાતે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વૈદિક ઘડિયાળ મુકાઇ ગઇ છે. તેનાથી સૂર્યોદય-સૂર્યાસ્તના સમય, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, શુભ મુુહૂર્ત સહિતની ઘણી સચોટ જાણકારી મળી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પહેલી માર્ચે આ વૈદિક ઘડિયાળનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કરશે. ઉજ્જૈન નગરી પહેલેથી કાલગણનાનું કેન્દ્ર રહી છે. ઉજ્જૈનમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને ઉજ્જૈનને મંગળ ગ્રહનું જન્મસ્થાન પણ મનાય છે. વિક્રમ સંવતનો આરંભ પણ ઉજ્જૈનથી જ થયો હતો. તેથી અહીંની જીવાજીરાવ વેધશાળામાં 80 ફૂટ ઊંચા ટાવર પર વિશ્વની પહેલવહેલી વૈદિક ઘડિયાળ મૂકવામાં આવી છે.
વૈદિક ઘડિયાળ ઇન્ટરનેટ, GPS સાથે જોડાયેલી રહેશે
વૈદિક ઘડિયાળ ઇન્ટરનેટ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) સાથે જોડાયેલી રહેશે. તેમાં આઇએસટી અને જીએમટી સાથે ભારતીય સમય ગણતરી, વિક્રમ સંવત, સૂર્યોદયથી સૂર્યાસ્ત સહિત ગ્રહ, યોગ, ભદ્રા, ચંદ્રની સ્થિતિ, નક્ષત્ર, ચોઘડિયા, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની માહિતી મળશે. આ ઉપરાંત અભિજિત મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત, અમૃતકાળ અને હવામાન સાથે જોડાયેલી તમામ જાણકારી પણ મળશે. દર કલાકે ઘડિયાળના બેકગ્રાઉન્ડમાં નવી તસવીર જોવા મળશે. દ્વાદશ જ્યોતિર્લીંગ મંદિર, નવગ્રહ, રાશિ ચક્રની સાથે અન્ય ધાર્મિક સ્થળો પણ જોવા મળશે.


