- એક જ પરિક્રમા પથ પર આમને સામને આવ્યા બે સેટેલાઈટ
- અમેરિકા રશિયાના સેટેલાઈટ ટકરાશે તો ખડકાશે અવકાશી કાટમાળ
- જો ટક્કર ટળી જશે તો એકદમ નજીકથી પસાર થશે સેટેલાઈટ
અમેરિકા અને રશિયા વચ્ચે બીજા વિશ્વયુદ્ધ બાદ વર્ચસ્વની લડાઈ શરૂ થઈ હતી. રાજકીય, આર્થિક, સુરક્ષા જેવા દરેક વિભાગમાં અમેરિકા અને રશિયા વચ્ચેનું આ કોલ્ડ વોર જોવા મળ્યું હતું. બંને દેશો વચ્ચે ચાલી રહેલી આ કોલ્ડ વોરની સ્થિતિ આજદિન સુધી માત્ર જમીની સ્તરે હતી. હવે આ બંને દેશો અંતરિક્ષમાં પણ આમને-સામને આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશોના સેટેલાઈટ આજે 28 ફેબ્રુઆરીના રોજ ગમે ત્યારે અવકાશમાં ટકરાઈ શકે છે. જો આ ટક્કર થશે તો અવકાશમાં ઘણો કાટમાળ એકઠો થઈ જશે. આ દરમિયાન, આ ઓર્બિટ પર ચાલતા અન્ય ઉપગ્રહોને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકા અને રશિયાના સેટેલાઈટ આવી ગયા આમને-સામને
બંને દેશોના જે સેટેલાઇટ્સ વચ્ચે ટક્કર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમ અમેરિકાનું થર્મોસ્ફિયર આયોનોસ્ફિયર મેસોસ્ફિયર એનર્જેટિક્સ એન્ડ ડાયનેમિક્સ મિશન સ્પેસક્રાફ્ટ અને રશિયાનું કોસ્મોસ 2221 છે. આ બંને સેટેલાઈટ પૃથ્વીથી લગભગ 600 કિલોમીટર ઉપર પરિક્રમા કરી રહ્યા છે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આજે આ ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાં આમને સામને આવી શકે છે.
NASAની સાથે અમેરિકાના સુરક્ષા વિભાગની પણ ચાંપતી નજર
નિષ્ણાતોએ જો કે એવી આશા પણ વ્યક્ત કરી છે કે છેલ્લી ક્ષણોમાં તે ખૂબ નજીકથી પસાર થઈ શકે છે. હાલમાં બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. NASAની સાથે US સુરક્ષા વિભાગ પણ આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
અમેરિકન અંતરીક્ષ એજન્સીએ આપ્યું નિવેદન
આ ઘટના પર અમેરિકન સ્પેસ એજન્સી NASAનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે આશા છે કે બંને દેશોના સેટેલાઈટ ટક્કરથી બચી પણ શકે છે. જો બંને સેટેલાઈટ વચ્ચે ટક્કર થશે તો અંતરીક્ષમાં ભરપૂર પ્રમાણમાં કાટમાળ એકઠો થઈ જશે. જે અન્ય સેટેલાઈટ માટે જોખમી સાબિત થઈ શકે છે.


