- કેએલ રાહુલ સારવાર માટે લંડન પહોંચ્યો છે
- રાહુલ પ્રથમ ટેસ્ટ મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત
- કેએલ રાહુલની IPLમાં વાપસી પર સસ્પેન્સ
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ હજુ પોતાની જૂની ઈજામાંથી સંપૂર્ણ રીતે ફિટ નથી. જેના કારણે તેને હવે સારવાર માટે લંડન ગયો છે. આ પછી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં કેએલ રાહુલની વાપસીને લઈને સસ્પેન્સ છે. એવા પણ અહેવાલો છે કે તે IPL 2024 પહેલા સંપૂર્ણ રીતે ફિટ થવા માંગે છે, જેના કારણે તેને સારવાર માટે અચાનક લંડન જવું પડ્યું હતું. હૈદરાબાદ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે કેએલ રાહુલના સ્નાયુ ખેચાયા હતા. જેના કારણે તે ઈંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. હવે આવી સ્થિતિમાં કેએલ રાહુલ સારવાર માટે લંડન જતા તેના IPL 2024માં રમવાને લઈને સસ્પેન્સ સર્જાઈ રહ્યો છે.
કેએલ રાહુલ 90 ટકા ફિટ
હૈદરાબાદ ટેસ્ટ બાદ કેએલ રાહુલ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, કેએલ રાહુલને ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે હજુ સુધી પ્લેઈંગ-11માં સામેલ થઈ શક્યો નથી. BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે કેએલ રાહુલ 90 ટકા ફિટ છે. બધા તેના 10 ટકા ફિટ થવાની રાહ જોઈ રહ્યા છે.
IPL પહેલા ફિટ થવા માંગુ છુ: રાહુલ
IPL 2024 ની પ્રથમ મેચ 22 માર્ચથી રમાશે, જ્યારે કેએલ રાહુલની કેપ્ટન્સીમાં લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ મેચ 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે છે. જેમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે અને એક મહત્વપૂર્ણ બેટ્સમેન પણ છે. જો તે IPLમાં સંપૂર્ણ રીતે ફિટ નથી થઈ શકતો તો તેની ટીમને મોટો ફટકો પડી શકે છે. તે જ સમયે, કેએલ રાહુલ પણ IPL 2024 પહેલા શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને તેની ટીમમાં જોડાવા માંગે છે. જો કે તેના માટે તેણે 24 માર્ચ પહેલા પોતાની ફિટનેસ પુરી રીતે સાબિત કરવી પડશે. જે બાદ જ તે IPL 2024માં રમી શકશે.
T20 વર્લ્ડકપ માટે કેએલ રાહુલ મહત્વપૂર્ણ
IPL 2024 પછી, T20 વર્લ્ડકપ 2024 પણ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં સંયુક્ત રીતે યોજાશે. કેએલ રાહુલ વર્લ્ડકપમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. જે બાદ BCCI તેની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી. કેએલ રાહુલની ફિટનેસને લઈને ટીમ મેનેજમેન્ટ પણ ચિંતિત છે. કેએલ રાહુલ T20 વર્લ્ડકપ 2024માં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળી શકે છે. આ સિવાય કેએલ રાહુલની ટીમમાં હાજરી મિડલ ઓર્ડરમાં ટીમને વધુ મજબૂતી આપવાનું કામ કરે છે.


