- તુર્કી અને પાકિસ્તાને UNHRCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
- ભારતના આંતરિક મુદ્દાઓમાં તુર્કી પાકિસ્તાન દખલ ન કરે
- આંતરરાષ્ટ્રીય મંચનો બંને દેશોએ દુરુપયોગ કર્યો છે
ભારતીય સચિવે કાશ્મીર મુદ્દે UNના મંચ પરથી પાકિસ્તાન અને તુર્કીને જોરદાર ફટકાર લવાઈ છે. કાશ્મીર મુદ્દે તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ ન કરવી જોઈએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી કે તુર્કી બીજી વખત આવું નહીં કરે.
તો, ભારતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા માટે પાકિસ્તાનના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ વખતે તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તુર્કીએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. આરોપોનો જવાબ આપતાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા ચેતવણી પણ આપી હતી.
ભારતનો જડબાતોડ જવાબ
ભારત પરના આરોપોનો જવાબ આપતા ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે કહ્યું હતું કે, “ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણીઓ દુઃખદ છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તુર્કી અમારી આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળશે. ઉપરોક્ત આરોપો અંગે અમે કહેવા માંગીએ છીએ કે એક વખત ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરવા માટે ફરી કાઉન્સિલના પ્લેટફોર્મનો દુરુપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે. સમગ્ર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ભારત સરકારે અહીં સામાજિક અને આર્થિક વિકાસની સાથે શ્રેષ્ઠ વહીવટ કરવા માટે બંધારણીય ફેરફારો કર્યા છે અને આ ભારતનો આંતરિક મામલો છે.”
શું આપ્યું હતું તુર્કીએ નિવેદન?
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારત-પાકિસ્તાને આ મામલો વાતચીત અને સહયોગ દ્વારા ઉકેલવો પડશે. કાશ્મીરમાં શાંતિ માટે જે પણ પગલાં લેવામાં આવશે તેને તુર્કી સમર્થન આપશે.
તુર્કી દ્વારા અગાઉ પણ UNHRCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તો, તે એર્દોગને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા ઉકેલવાની વાત કરી હતી. ગત વર્ષે પણ તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા 74 વર્ષથી ચાલી રહી છે. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તુર્કીએ કહ્યું હતું કે આનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.


