- સુમિત નાગલનો પરાજય થયો
- મેન્સ ડબલ્સમાં યુકી ભાંબરી અને રોબિન હાસેની જોડી પણ જીતી
- બોપન્ના અને મેથ્યૂ એબડેનની જોડીએ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો
ટોચનો ક્રમાંક ધરાવતા ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથીદાર મેથ્યૂ એબડેનની જોડીએ દુબઇ ડયૂટી ફ્રી ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બંનેએ પાકિસ્તાનના ઐસામ ઉલ હક કુરેશી અને ટયૂનેશિયાના સિકંદર મન્સૂરીની જોડીને સીધા સેટમાં હરાવી હતી. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ગ્રાન્ડસ્લેમ જીતનાર રોહન અને એબડેને એક કલાક 41 મિનિટ સુધી રમાયેલી મેચમાં 7-6, 7-6થી વિજય મેળવ્યો હતો. તેમનો આગામી મુકાબલો હવે ઉરુગ્વેના એરિયલ બહાર તથા ચેક રિપબ્લિકના એડમ પાવ્લાસેકની જોડી સામે થશે. ભારતના યુકી ભાંબરી અને નેધરલેન્ડ્સના રોબિન હાસેએ કઝાકસ્તાનના એલેકઝાન્ડર બુબલિક અને ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-7, 6-3, 10-8થી હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. ભારતનો ટોચનો ક્રમાંકિત સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ અંતિમ-32ના મુકાબલામાં ઇટાલીના અનુભવી ખેલાડી લોરેન્ઝો સોનેગો સામે 4-6, 7-5, 1-6થી હારી જતાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો.


