જેતપુરના વાડાસડામાં ખેતરના મકાનમાં ચાલતો જુગારનો અખાડો પકડાયો
ગ્રામ્ય LCBએ દરોડો પાડી ૭ દગડબાજોને ₹૫૭,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામની સીમમાં ખેતરના મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા જુગારના અખાડા પર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને જુગાર રમતા ૭ શખ્સોને ૫૭,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે વાડાસડા ગામની સીમમાં ગીરીશભાઇ ભગવાનજીભાઇ રીબડીયાના ખેતરમાં આવેલા મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેતર માલિક ગીરીશભાઇ રીબડીયા પોતે બહારથી માણસો બોલાવી, તેમને તમામ સુખ-સુવિધા પૂરી પાડીને પોતાના ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા વાડાસડા ગામના ૧. ગીરીશભાઇ ભગવાનજીભાઇ રીબડીયા (ઉ.વ. ૪૪), ૨. જયેશભાઇ રાઘવભાઇ સીંગાળા (ઉ.વ. ૫૦), ૩. હિતેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ. ૫૦), ૪. વિજયસિંહ ભીખુભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૦), ૫. બાવનજીભાઇ રણછોડભાઇ રીબડીયા (ઉ.વ. ૫૮), ૬. દિવ્યેશભાઇ વ્રજલાલ સીંગાળા (ઉ.વ. ૩૬), ૭. કલ્પેશભાઇ બાવનજીભાઇ રીબડીયા (ઉ.વ. ૪૦) સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૫૭,૫૦૦ તથા જુગારના સાધનો કબજે કરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


