- ભારતને જીતવા માટે મોટા દિલની જરૂર છે
- કોહલી અને શમી ઉપરાંત લોકેશ રાહુલ પ્રારંભિક ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયો હતો
- ચોથી ટેસ્ટમાં બુમરાહને આરામ અપાયો હતો
સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ભારતના યુવા ખેલાડીઓએ સાબિત કરી દીધું છે કે તેમને ટેસ્ટ શ્રેણી જીતવા માટે વિરાટ, બુમરાહ અને શમીની જરૂર નથી. ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં મોટા ખેલાડીઓ વિના રમી રહી છે. તેમની ગેરહાજરીમાં ભારતના યંગ પ્લેયર્સે શાનદાર દેખાવ કર્યો છે. કોહલી વ્યક્તિગત કારણોસર સિરીઝમાંથી બહાર છે અને શમીએ તાજેતરમાં લંડન ખાતે સર્જરી કરાવી છે.
કોહલી અને શમી ઉપરાંત લોકેશ રાહુલ પ્રારંભિક ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. ચોથી ટેસ્ટમાં બુમરાહને આરામ અપાયો હતો. ગાવસ્કરે જણાવ્યું હતું કે ભારતને જીતવા માટે મોટા નામોની નહીં પરંતુ મોટા દિલની જરૂર છે. ભારતે શ્રેણી જીતી છે તે આૃર્યની બાબત નથી. આપણે ઓસ્ટ્રેલિયામાં પણ યુવા ખેલાડીઓ સાથે સફળતા હાંસલ કરી હતી. મોટા નામવાળા ખેલાડીઓ ભારતને વિજય મેળવવાથી રોકી શકતા નથી. તમારે મોટા દિલની જરૂર હોય છે અને જો તે તમારી પાસે છે તો તમે સફળ બનો છો. જો તમારું ભારત માટે રમવાનું સ્વપ્ન હોય તો દેશમાં પૂરતી પ્રતિભા છે અને તે તમને વિજય અપાવી શકે છે.
યુવાઓની ભરપૂર પ્રશંસા કરીને ગાવસ્કરે જણાવ્યું હતું કે આ ભારત માટે રોમાંચક સમય છે. જયસ્વાલ, સરફરાઝ અને ધ્રુવ જુરેલને ટેસ્ટ ક્રિકેટ પસંદ પડી છે. સાઉથ આફ્રિકામાં જયસ્વાલને સંઘર્ષ કરવો પડયો હતો પરંતુ તેની પાસે ટેક્નિક અને શોટ્સની પૂરી યાદી છે. સરફરાઝ એક સ્ટ્રીટ-સ્માર્ટ ક્રિકેટર છે અને ધ્રુવ જુરેલ શાંત સ્વભાવનો છે પરંતુ તેનામાં રમત પ્રત્યેકની જાગૃતતા છે.


