- એનપીએસ ખાતાધારકો અને હિતધારકોની સુરક્ષા માટે નિર્ણય
- સીઆરએ સિસ્ટમમાં હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન પછી લોગ-ઇન સંભવ બનશે
- પીએફઆરડીએ દ્વારા પરિપત્ર જારી
નેશનલ પેન્શન સિસ્ટમ અર્થાત એનપીએસના ખાતાધારકો અને તેમના વ્યવહારોની સુરક્ષા માટે કેટલાક ફેરફાર આવી રહ્યા છે. પીએફઆરડીએના જણાવ્યા મુજબ 1લી એપ્રિલથી એનપીએસ એકાઉન્ટનું આધાર વેરિફિકેશન જરૂરી બની રહેશે. એનપીએસ રોકાણકર્તા અને હિતધારકોની સુરક્ષા માટે પીએફઆરડીએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએફઆરડીએના જણાવ્યા મુજબ કેન્દ્ર અને રાજ્ય તેમ જ તેમના એકમોના નોડલ કાર્યાલયો વર્તમાનમાં એનપીએસ વ્યવહાર માટે કેન્દ્રીય અભિલેખાપાલ અર્થાત સીઆરએની વેબસાઇટનો ઉપયોગ કરવા માટે પાસવર્ડ લોગ-ઇનનો ઉપયોગ કરે છે.
સીઆરએ સિસ્ટમના ઉપયોગ કરવાના સુરક્ષા ઉપાયોને સુદ્રઢ કરવા માટે સીઆરએ સિસ્ટમમાં લોગ -ઇન માટે આધાર આધારિત ખરાઈના રૂપમાં વધારાની સુરક્ષા સુવિધાનો ઉમેરો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. સીઆરએ સિસ્ટમના ઉપયોગકર્તા હાલમાં આઈડી અને પાસવર્ડ આધારિત પ્રણાલીનો ઉપયોગ કરી રહ્યા છે.
પીએફઆરડીએ દ્વારા પરિપત્ર જારી
પીએફઆરડીએના પરિપત્રમાં જણાવ્યા મુજબ ખરાઈ અને લોગ-ઇન કરવાની સમગ્ર પ્રક્રિયાને સશક્ત કરવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. સરકારી કાર્યાલયો અને તેના સ્વાયત્ત એકમો દ્વારા થતાં તમાં એનપીએસ વ્યવહારો માટે સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે નવી સંરચના ડિઝાઇન થઈ છે. નવી લોગ-ઇન પ્રક્રિયા 1 એપ્રિલ 2024થી અમલી બની જશે. તમામ સીઆરએ દ્વારા તમામ સરકારી નોડલ કાર્યાલયોને પ્રોસેસ ફ્લોની સાથોસાથ એક વિસ્તૃત એસઓપી પૂરી પાડવામાં આવશે. પ્રક્રિયામાં નોડલ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે.


