- ક્રિકેટ રમવા ગયેલા યુવાન પર થયેલા હુમલાના કેસમાં કોર્ટે ન્યાય તોળ્યો
- વર્ષ 2020માં અગાઉના ઝઘડાના મનદુઃખને લઈ ધારિયા વડે હુમલો
- આડેધડ ધારીયાના ઘા કરતા મુસ્તુફાનો એક હાથ કપાઈને અલગ
રતનપરના બાયપાસ રોડ પર આવેલ ક્રિકેટના મેદાનમાં રમવા ગયેલા યુવાન પર પાંચ શખ્સોએ વર્ષ 2020માં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવાનનો હાથ કપાઈ ગયો હતો. આ કેસમાં કોર્ટે પાંચેયને કસુરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
સુરેન્દ્રનગરના મીયાણાવાડમાં રહેતા રફીક હુસેનભાઈ જામ ગત તા. 25-10-2020ના રોજ રવિવાર હોઈ તેમના મામાના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક સહિતનાઓ સાથે રતનપર બાયપાસ રોડ પર આવેલ મેદાનમાં ક્રીકેટ રમવા ગયા હતા. ત્યારે રિક્ષામાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે કારીયો યાકુબભાઈ ભટ્ટી, યુનુસ ઉર્ફે ભુરીયો યાકુબભાઈ ભટ્ટી, હુસેન ઉર્ફે પપલો યાકુબભાઈ ભટ્ટી, સાહીલ હનીફભાઈ ભટ્ટી અને જાવેદ યાકુબભાઈ ભટ્ટી આવ્યા હતા. તે તમામના હાથમાં ધારીયા હતા. અને તેઓને જોઈને મુસ્તુફા ભાગવા લાગ્યો હતો. આથી પાંચેય શખ્સો તેની પાછળ દોડયા હતા. અને આડેધડ ધારીયાના ઘા કરતા મુસ્તુફાનો એક હાથ કપાઈને અલગ પડી ગયો હતો. જયારે બીજા હાથે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પાંચેય શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. વર્ષ 2020 પહેલા દોઢ-બે વર્ષ અગાઉ મુસ્તુફાને આ પાંચેય સાથે ઝઘડો થયો હોય જેની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ થઈ હોય તે વાતનું મનદુઃખ રાખી આ હુમલો કરાયાની રફીકભાઈ જામે જોરાવરનગર પોલીસ મથકે હત્યાની કોશીષ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ બુધવારે સુરેન્દ્રનગર ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પ્રદ્યુમનસીંહ ભરતસીંહ મકવાણાએ દલીલો કરતા જણાવ્યુ કે, બનાવમાં ઈજા પામનારનો આખો હાથ કપાઈ ગયો છે, ઈજા પામનારને સમયસર સારવાર મળતા બચી ગયા છે. તમામ આરોપીઓએ આગોતરૂ આયોજન કરી ગેરકાયદેસર મંડળી રચી ઈજા પામનાર પર જીવલેણ હુમલો કરી મોત નીપજાવવાની કોશીષ કરી છે. આ ઉપરાંત 23 દસ્તાવેજી તથા 36 મૌખીક પુરાવાને ધ્યાને લઈ જજ એન.જી.શાહે પાંચેય આરોપીઓને કસુરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકારી ન્યાય તોળ્યો છે. જો આરોપીઓ આ દંડ ન ભરે તો વધુ બે મહિનાની સાદી કેદની સજા ફટકારાઈ છે.


