- કયારે સુરત પહોંચશે મૃતદેહ પરિવારને ચિંતા
- રશિયન એમ્બેસી કે આર્મી તરફથી કોઇ સમાચાર નથી
- રશિયા – યુક્રેન યુધ્ધમાં હેમીલે જીવ ગુમાવ્યો છે
અમારો હેમિલ ઘરમાં હસતો ફરતો હતો, ખબર નહીં શુ સુઝયુ કકે આજે અમે લાડકવાયો આ રીતે ગુમાવી દીધો, અમને હજી કોઇ કહેનાર પણ નથી કે તેના અંતિમ દર્શન અમે કયારે અને કેવી રીતે કરી શકીશું ? ભગવાને આ કેવા દિવસો અમને દેખાડયા… વેલંજા- ઉમરા ગામે રહેતા માંગુકીયા પરિવારના વિશાળ ઘરમાં આ કલ્પાંત કેમેય કરીને શમી નથી રહ્યો. વાત છે રશિયા – યુક્રેન યુધ્ધમાં જીવ ગુમાવનાર હેમીલની. જેનો પરિવાર દિકરાના અંતિમ દર્શન માટે તરસી રહયો છે, તડપી રહયો છે.
21 ફેબ્રુઆરીના હેમીલે જીવ ગુમાવ્યો
કામરેજ તાલુકાના વેલંજા – ઉમરા ગામે શિવ બંગલોમાં રહેતા અશ્વિનભાઇ માંગુકીયા (મુળ રહે, વાવડી.તા.ગારીયાધાર જિ.ભાવનગર) નો ત્રેવીસ વર્ષિય પુત્ર ત્રણ હેમિલ ત્રણ માસ અગાઉ રશિયા નોકરી અર્થે ગયો હતો. જયાં તેને એજન્ટ દ્રારા રશિયન આર્મીમાં સિક્યુરીટી હેલ્પર તરીકે નિમણુંક આપી હતી. દરમિયાન યુક્રેન -રશિયા બોર્ડર ઉપરના કબજે કરાયેલ ડોનેત્સ્ક નજીક ડેન દરા ગત તા. 21 ફેબ્રુઆરીના રોજ મિસાઇલ હુમલામાં કુલ 24 ના મોત નિપજયા હતા. જેમાં વેલંજા રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોધ પુત્ર હેમિલ પણ માર્યો ગયો હતો. જે અંગેના સમાચાર માંગુકીયા પરિવારને રશિયાના આર્મી કેમ્પના સાથીદાર દ્રારા સુરેશભાઇ માંગુકીયાને મળ્યા હતા. આ બનાવના પગલે માંગુકીયા પરિવાર ઉપર આભ ફાટયુ હોય એવો અહેસાસ થયો છે. પોતાના પુત્રના મૃતદેહને પરત જલ્દી લાવવામાં આવે એવી આશા સાથે પરિવાર અને સગાસબંધીઓ મીટ માંડીને બેઠા છે.
અંતિમ દર્શન માટે પરિવાર ચિંતિત
છેલ્લા પાંચ દિવસથી હેમિલના અંતિમ દર્શન કરવા માટે તેઓ કલ્પાંત કરી રહયા છે. સેંકડો માઇલ દુર રશિયાથી હેમિલના મૃતદેહને સુરત પરત લાવવા માટે માંગુકીયા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ હજી સુધી રશિયન એમ્બેસી કે રશિયન આર્મીએ કોઇ પ્રત્યુતર આપ્યો નથી, જેથી પરિવારની ધીરજ ખુટી છે, કે કયારે હેમિલનો મૃતદેહ મળશે ? સતત પાંચ દિવસથી હેમિલના માતા પિતા તેમજ અન્ય સ્વજનોની આંખો આંસુથી સુકાઇ નથી. અને હજુ પણ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ નહીં મળતાં હતાશા જોવા મળી રહી છે.પરિવાર અને સ્વજનો હેમિલના વિરહમાં કોઇ કાર્ય પણ કરતાં નથી, અને આખો દિવસ સબંધીઓની સાથે પુત્રને યાદ કરીને રડવામાં સમય પસાર કરી રહયા છે.
હેમિલ રૂ.3 લાખ ખર્ચીને રશિયા ગયો હતો
સૌરાષ્ટ્રવાસી માંગુકીયા પરિવારનો પુત્ર હેમિલ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે બે ચાર વર્ષ રશિયા જઇને કમાણી કરીને આવીને પછી લગ્ન અને ધંધો સેટ કરવા ઇચ્છતો હતો, જેમાં તેણે રશિયા જવા માટે એજન્ટોને રૂ.3 લાખની રકમ પણ ચુકવી હતી. હજી માંડ રશિયન આર્મી કેમ્પમાં બે અઢી માસની નોકરી કરી ત્યાં તો યુક્રેનના હુમલામાં મોતને ભેટયો હતો, આમ, હેમિલ પોતાના ભવિષ્યના અરમાનો પુરા કરે એ પહેલા જ મૃત્યુ પામ્યો હતો.


