- SOGએ ખાટકીવાડમાં દરોડો કરી 1 શખ્સને 500 ગ્રામ સુકા ગાંજા સાથે દબોચ્યો હતો
- એસઓજી ટીમે વોચ રાખી ફરાર આરોપીને પકડી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો
- કેસમાં ગાંજો આપનાર ફરાર આરોપીને એસઓજી ટીમે બસ સ્ટેશન પાસેથી ઝડપી
સુરેન્દ્રનગરના બસ સ્ટેશન પાસે આવેલ ખાટકીવાડના રહેણાક મકાનમાં એક શખ્સ પાસે ગાંજો હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર એસઓજી ટીમે તા. 10 ફેબ્રુઆરીના રોજ દરોડો કર્યો હતો. જેમાં મુળ લખતરના અને હાલ સુરેન્દ્રનગર રહેતા યુવાનને 500 ગ્રામ સુકો ગાંજો અને મોબાઈલ સહિત રૂપીયા 10 હજારની મત્તા સાથે ઝડપી લેવાયો હતો. આ કેસમાં ગાંજો આપનાર ફરાર આરોપીને એસઓજી ટીમે બસ સ્ટેશન પાસેથી ઝડપી લઈ બી ડીવીઝન પોલીસના હવાલે કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટ, સહિતનાઓએ ગત તા. 10 ફેબ્રુઆરીને શનીવારે શહેરના બસ સ્ટેશન રોડ પર આવકાર ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ખાટકીવાડના રહેણાક મકાનમાં દરોડો કર્યો હતો. જેમાં 500 ગ્રામ સુકા ગાંજો કિંમત રૂપીયા 5 હજાર સાથે મુળ લખતરના દરબારી જીન સામે અને હાલ ખાટકીવાડમાં રહેતા 30 વર્ષીય જયદીપ ઉર્ફે ઝાકીર રમણીકલાલ પટેલને ઝડપી લેવાયો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ ગાંજો જોરાવરનગર પોલીસ મથક પાછળના વિસ્તારમાં રતનપરમાં રહેતા જાવેદ ઉર્ફે જાવલો મોવર પાસેથી વેચાણથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતુ.
આથી બન્ને સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમીયાન ફરાર આરોપી શહેરના એસ.ટી.બસ સ્ટેશન પાસે હોવાની બાતમી મળતા પીએસઆઈ ડી.કે.સોલંકી, અનીરૂધ્ધસીંહ સહિતનાઓએ વોચ રાખી હતી. અને ફરાર આરોપી જાવેદ ઉર્ફે જાવલો મોવરને ઝડપી લઈ બી ડીવીઝન પોલીસના હવાલે કરાયો છે.


