- રાજ્યના રહેણાંક ગ્રાહકોથી સરકારે 3,170 કરોડ ઉઘરાવ્યા
- રહેણાક-ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી ડયૂટીની આવકમાં સતત વધારો
- ઔદ્યોગિક કક્ષાના ગ્રાહકો પાસેથી 14,674.68 કરોડ વીજ ડયૂટી પેટે વસૂલાયા છે
ગુજરાતમાં રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી છેલ્લાં બે વર્ષમાં રૂ. 3,170.88 કરોડની વીજ ડયૂટી વસૂલવામાં આવી છે, એ જ રીતે ઔદ્યોગિક કક્ષાના ગ્રાહકો પાસેથી 14,674.68 કરોડ વીજ ડયૂટી પેટે વસૂલાયા છે. વર્ષ 2022-2023માં 17,845.56 કરોડની સરકારને આવક થઈ છે. પ્રજાને ડયૂટીમાં રાહત મળે તે માટે સમયાંતરે રજૂઆતો થતી રહે છે, જોકે સરકારે છેલ્લા બે વર્ષમાં ફેરફાર કર્યો નથી. વિધાનસભા ગૃહમાં સરકારે જણાવ્યું હતું કે, રહેણાંક માટે ગ્રામ્ય વિસ્તારમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારમાં 15 ટકા ડયૂટી વસૂલાય છે, વર્ષ 2022માં રહેણાંક ગ્રાહકોથી સરકારને 1475 કરોડ જેટલી આવક થઈ છે જ્યારે 2023માં આ આવક વધીને 1695.11 કરોડ થઈ છે. ઔદ્યોગિક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી ઉચ્ચ દબાણ કેટેગરીમાં 15 ટકા, નિમ્ન દબાણ કેટેગરીમાં 10 ટકા ડયૂટી વસૂલાઈ છે. 2022માં સરકારને 6904.36 કરોડ, 2023માં 7,770.32 કરોડની આવક થઈ છે.
સોલાર પાવર : 2 વર્ષમાં ખાનગી ઉત્પાદકોને 3,143 કરોડ ચૂકવાયા
સોલાર પાવર પોલિસી અંતર્ગત સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદી હતી, જે પેટે 72 ખાનગી ઉત્પાદકોને વર્ષ 2022-2023માં 3,143 કરોડ ચુકવાયા છે. 2022માં 1626 કરોડ, 2023માં 1517 કરોડ ચુકવાયા છે. 2022માં સરેરાશ યુનિટ દીઠ 13.41ના ભાવે 1212 મિલિયન યુનિટ અને 2023માં યુનિટ દીઠ 13.15ના ભાવે 1153 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ છે.


