- ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી દેશની પ્રથમ સ્વદેશી બોટનું ઉદ્ઘાટન
- હાઇડ્રોજન પાવર્ડ બોટથી ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવામાં મદદ મળશે
- ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ટકાઉ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતા માટે સૌથી મહત્વનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 28 ફેબ્રુઆરીના રોજ ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી દેશની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત અને ઉત્પાદિત બોટનું ઉદ્ઘાટન કર્યું. ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી આ બોટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરે છે અને અવાજ કર્યા વગર ચાલે છે. તેની શરૂઆતથી ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવામાં મદદ મળશે.
વડાપ્રધાન મોદીએ તમિલનાડુના થૂથુકુડીથી ઓનલાઈન માધ્યમથી આ હાઈડ્રોજન પાવર્ડ બોટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કોચીન શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મધુ એસ નાયર પણ હાજર હતા.
2070 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનો ભારતનો લક્ષ્યાંક
આ બોટ વિકસાવનાર કોચીન શિપયાર્ડે જણાવ્યું હતું કે દરિયાઇ ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ટકાઉ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતા માટે સૌથી મહત્વનો છે. ભારતે વર્ષ 2070 સુધીમાં શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.
‘ફ્યુઅલ સેલ સંચાલિત બોટ ઉત્સર્જન અને અવાજથી મુક્ત’
કોચીન શિપયાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રીન બોટ ઇનિશિયેટિવ હેઠળ વિકસાવવામાં આવેલ આ અંતર્દેશીય જળમાર્ગ જહાજ દરિયાઇ ક્ષેત્રમાં ટેક્નોલોજીનું પ્રદર્શન કરવા માટેનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમે કહ્યું, ‘આ ફ્યુઅલ સેલ સંચાલિત બોટ ઉત્સર્જન અને અવાજથી મુક્ત છે. તે ઊર્જા કાર્યક્ષમ બનીને ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડે છે.
રાજકીય વિચારધારાથી નહિ, પરંતુ વિકાસ માટે કામ: પીએમ મોદી
ભારતના પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન વોટરવે વેસલને ફ્લેગ ઓફ કરાવતી વખતે પીએમ મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે પરિવહનમાં વધારો થવાથી તમિલનાડુમાં ‘જીવનમાં સરળતા’ આવી છે. મોદીએ કહ્યું કે નવા પ્રોજેક્ટ્સ વિકસિત ભારતના રોડમેપનો મહત્વનો ભાગ છે. તેમણે કહ્યું, “હું જે કંઈ કહી રહ્યો છું તે કોઈ રાજકીય વિચારધારા કે મારી પોતાની વિચારધારા અનુસાર નથી પરંતુ વિકાસ માટે કહી રહ્યો છું.”


