- ગૃહમંતીએ ટ્વિટ કરીને બંને સંગઠનો પર પ્રતિબંધની માહિતી આપી
- દેશ વિરોધી ગતિવિધિઓ કરનાર પરિણામો ભોગવશે: અમિત શાહ
- મોદી સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ: ગૃહમંત્રી
કેન્દ્રની મોદી સરકારે બુધવારે 28 ફેબ્રુઆરીના રોજ મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીર (સુમજી જુથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીર (ભટ જુથ) પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ અંગે જાણકારી આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ સંગઠનોની ગતિવિધિઓ દેશની સંપ્રભુતા અને અખંડિતતા વિરુદ્ધ હતી.
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ છે. એવામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરતાં લખ્યું કે “આતંકવાદી નેટવર્ક પર કડક કાર્યવાહી ચાલુ રાખતા કેન્દ્ર સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (ભટ જૂથ)ને ગેરકાયદેસર સંગઠનો તરીકે જાહેર કર્યા છે. આ સંગઠનો દેશની સંપ્રભુતા અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ છે.
જમાત-એ-ઈસ્લામી (જમ્મુ-કાશ્મીર) પરનો લંબાવાયો પ્રતિબંધ
આ પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે ગઇકાલે મંગળવારે 27 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારે જમાત-એ-ઈસ્લામી (જમ્મુ કાશ્મીર) પર રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સંપ્રભુતા વિરુદ્ધ સતત પ્રવૃત્તિઓ કરવા બદલ લગાવવામાં આવેલ પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવી દીધો હતો.


