કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ
કર્મયોગી પરિવારના સભ્યોએ ધન્યતા અનુભવી
અગ્ર ગુજરાત, સુરત
માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના અઢાર રાજ્યોમાં ‘૩૫૧ સરસ્વતીધામ નિર્માણ’ના મહાસંકલ્પ સાથે શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૨૫૬ સરસ્વતીધામોનું નિર્માણ પૂર્ણ થયું છે, જ્યારે ૪૮ સરસ્વતીધામોના નિર્માણકાર્યો પ્રગતિ હેઠળ છે. ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્ય નિઃસ્વાર્થ સેવાભાવથી આગળ વધી રહ્યું છે. સહયોગી દાતાઓના આર્થિક સહયોગ અને કર્મયોગીઓની તન-મનથી અપાતી નિઃશુલ્ક સેવાથી આ રાષ્ટ્રનિર્માણનું કાર્ય સતત વિસ્તરી રહ્યું છે.
કર્મયોગીઓમાં આત્મીયતા, સમર્પણ અને પારિવારિક સ્નેહની ભાવના વધુ દૃઢ બને તેમજ તેઓ પરિવાર સાથે ભારતના ઐતિહાસિક અને પવિત્ર તીર્થસ્થળોનાં દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી તા. ૨૫-૦૬-૨૦૨૬થી તા. ૦૧-૦૭-૨૦૨૬ દરમિયાન કેશુભાઈ ગોટીના માર્ગદર્શન હેઠળ જગન્નાથ પુરી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
યાત્રા દરમિયાન સૌને ભગવાન જગન્નાથજીનાં પવિત્ર દર્શન કરવાનો અને જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભગવાનની સ્નાનયાત્રાનાં દિવ્ય દર્શન કરવાનો દુર્લભ લાભ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સાક્ષીગોપાલ મંદિર, ધૌળીગિરિ, વિશ્વ ધરોહર તરીકે પ્રસિદ્ધ કોણાર્કનું ભવ્ય સૂર્યમંદિર, ચંદ્રભાગા બીચ સહિત અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. કોણાર્કનું સૂર્યમંદિર ભારતની પ્રાચીન સ્થાપત્યકલા, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને સાંસ્કૃતિક વૈભવનું અદ્વિતીય પ્રતીક છે, જેના દર્શનથી સૌ કર્મયોગીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા.
યાત્રાનું આયોજન સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે શરદભાઈ ગોટી, રણછોડભાઈ લવાણી, ગોપાલભાઈ પાવશિયા વગેરેએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવા વાલજીભાઈ વિરડિયા, પ્રવીણભાઈ ગોટી, ભરતભાઈ ગઢિયા સહિત અગ્રણીઓ પરિવાર સાથે યાત્રામાં સહભાગી બન્યા હતા. યાત્રા દરમિયાન સૌ કર્મયોગીઓએ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિષ્ઠા, સમર્પણ અને પૂરી ખંતથી નિભાવી હતી. સૌના સહિયારા પ્રયાસોથી સમગ્ર યાત્રા સુવ્યવસ્થિત, આનંદમય, યાદગાર અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવનારી બની રહી હતી.


