જનગણના 2027:રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ, ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે
ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો સૌપ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જનગણના 2027 અંતર્ગત હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે. અલગ અલગ બે તબક્કાની આ પ્રક્રિયા પૈકી રાજકોટમાં પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે હવે બીજા તબક્કાની કામગીરી ફેબ્રુઆરી- 2027માં વાસ્તવિક વસ્તી ગણતરીની કરવામાં આવશે. ત્યારબાદ સાચી વસ્તી કેટલી છે તેનો આંકડો સામે આવશે.
મનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયાને કુલ બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે અને આગામી સમયમાં બીજા તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જનગણના 2027ના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો એટલે કે ‘ઘર યાદીકરણ’ (હાઉસ લિસ્ટિંગ) ની કામગીરી હતી. ગુજરાત રાજ્યમાં આ કામગીરીની શરૂઆત 1 જૂનથી કરવામાં આવી હતી, જે 30 જૂન 2026 સુધી ચાલ્યા બાદ ગઈકાલે જ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. એક મહિનાના સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વ્યાપક સ્તરે સર્વે કરીને તમામ ઘરોની યાદી તૈયાર કરવાનું ભગીરથ કાર્ય મનપા તંત્ર દ્વારા પણ પૂરું કરવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ હવે વસ્તી ગણતરીના બીજા તબક્કા તરફ આગળ વધવામાં આવશે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ઘરનું લિસ્ટિંગ કરવાનું કામ પૂરું થયા પછી, હવે બીજો તબક્કો આગામી વર્ષે એટલે આગામી 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ હવે વાસ્તવિક વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી કરવામાં આવશે, જેમાં નાગરિકોની વિગતો અને આંકડાઓ એકત્રિત કરવામાં આવશે.
જ્યારે વસ્તી ગણતરીના આ બંને તબક્કાઓની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે, ત્યારે જનગણના 2027નું કાર્ય પણ સત્તાવાર રીતે આટોપી લેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ એકત્રિત કરવામાં આવેલા તમામ આંકડાઓ (સ્ટેટિસ્ટિક્સ) રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવશે. આ આંકડાકીય માહિતી દેશ અને રાજ્યના ભવિષ્યના વિકાસ કાર્યો અને નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની સાબિત થશે.
બીજો તબક્કો પૂર્ણ થયા પછી આંકડાઓ ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે પૂછવામાં આવતા પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીની કામગીરી પૂરી થયા બાદ મોટા પાયે ડેટા કમ્પાઈલેશન એટલે કે આંકડાઓનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે. આ એક ખૂબ જ જટિલ અને ઝીણવટભરી પ્રક્રિયા છે જેમાં વ્યાપક પ્રમાણમાં રિસર્ચ અને બ્રોડ વર્કિંગ (મોટા પાયે કામગીરી) ની જરૂર પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આખરી અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જેને સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે છે.


