- આગામી વર્ષ માટે રૂ. 157.72 કરોડથી વધુના વિકાસના કામો અંદાજપત્રમાં રજૂ કરાયા
- બેઠકમાં તળાવ ફરતે દીવડા પ્રગટાવવા કાર્યક્રમને સૌકોઈએ વધાવ્યો
- જયારે રૂ. 18.35 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર મંજૂર કરાયુ
સુરેન્દ્રનગર નગરપાલિકાની સામાન્ય સભા અને અંદાજપત્ર બેઠક ગુરૂવારના રોજ નગર સેવા સદનના સભાગૃહમાં મળી હતી. આ બેઠકમાં સર્વાનુમતે અંદાજપત્રને મંજૂરી અપાઈ છે. બજેટ બેઠકમાં આગામી વર્ષમાં રૂપિયા 157.72 કરોડથી વધુના કામોનો અંદાજ લગાવાયો છે. જયારે રૂ. 18.35 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર મંજૂર કરાયુ છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાની બજેટ માટેની સામાન્ય સભાનું આયોજન તા. 29મી ફેબ્રુઆરીને ગુરૂવારે પાલિકા કચેરીના સભાખંડમાં કરાયુ હતુ. જેમાં પાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, ચીફ ઓફીસર સાગર રાડીયા, ઈજનેર કયવંતસીંહ હેરમા, પુર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ચેરમેન જગદીશભાઈ પરમાર સહિતના સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાની બજેટ બેઠકમાં ગત વર્ષનું સરવૈયુ સર્વાનુમતે મંજૂર કરાયુ હતુ. જયારે આગામી વર્ષ માટે આવકનો રૂપીયા 237.71 કરોડના અંદાજ સામે 219.37 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો હતો. અને રૂપીયા 18.35 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ. આ બજેટ બેઠક દરમિયાન અયોધ્યાધામમાં શ્રી રામ જન્મભુમિ પર ભવ્ય નિર્માણ થયેલા મંદિર અંગેનો અભિવાદન પ્રસ્તાવનું વાંચન પ્રમુખે કર્યુ હતુ. જયારે સુરેન્દ્રનગરમાં પણ આ દિવસે ગત તા. 22મી જાન્યુઆરીના રોજ કરાયેલ તળાવ ફરતે દીવડાના કાર્યક્રમને સૌએ વધાવ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાઈ હોય આ કદાચ વર્તમાન બોડીની અંતીમ સામાન્ય સભા હોય તેવો ગણગણાટ પણ જોવા મળતો હતો. પરંતુ અમુક સભ્યો મહાનગરપાલિકા બનવાને હજુ 6-8 મહીના નીકળી જશે. તેમ કહીને હજુ એક-બે સામાન્ય સભા થશે, તેવુ પણ કહેતા જોવા મળ્યા હતા.
પ્રવાસન સ્થળ : ધોળીધજા ડેમની નિભાવણી, જાળવણી અને સંચાલનની જવાબદારી પાલિકાની
ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. ડેવલોપમેન્ટ ઓફ ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યા બાદ તેને નગરપાલિકાને સુપપરત કરવામાં આવશે. ત્યારે તેની નિભાવણી, જાળવણી અને સંચાલન કરવાની જવાબદારી પાલિકાની રહેશે તે અંગેની બાહેંધરી આપવાનો ઠરાવ પાસ કરાયો હતો.
કારોબારીના બદલે અમુક ઠરાવ સીધા જનરલ બોર્ડમાં લેવાયા
સામાન્ય રીતે અમુક ઠરાવો પહેલા કારોબારીની બેઠકમાં પસાર થયા બાદ તેને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ જનરલ બોર્ડમાં લેવાતા હોય છે. ત્યારે ગુરૂવારે યોજાયેલી સુરેન્દ્રનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં નિવિદા પ્રસિધ્ધ કરી વિકાસના કામોના 2-3 ઠરાવ કારોબારી બેઠકમાં સમાવીષ્ટ કર્યા વગર સીધા જનરલ બોર્ડમાં લેવાયા હતા. પાલિકાના એક સદસ્યે આ અંગે પ્રમુખનું ધ્યાન દોર્યુ હતુ. જોકે, બહુમતીથી એજન્ડાના દરેક મુદ્દાને મંજુરી મળી હતી. પરંતુ આ એક ટેકનીકલ ખામી હોવાનું જણાવાયુ હતુ.
શહેરમાં જર્જરિત પીકઅપ બસ સ્ટેન્ડ તોડી જગ્યા ખુલ્લી કરાશે
સુરેન્દ્રનગર નગરપાલિકાના જનરલ બોર્ડમાં શહેરના વિવિધ 4 સ્થળે આવેલા જુના અને જર્જરિત થઈ ગયેલા તથા બિનઉપયોગી પીકઅપ સ્ટેન્ડ તોડી પાડવાનો ઠરાવ મંજૂર કરાયો છે. જેમાં પતરાવાળી હોટલ પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ અને પાણીની પરબ, આર.પી.પી.ગર્લ્સ સ્કુલ પાસે, મહાવીર બેકરી પાસે અને જોરાવરનગર રેલવે સ્ટેશન રોડ ભૈયાજીની દકાન પાસેનું પીકઅપ સ્ટેન્ડ તોડી આ જગ્યા ખુલ્લી કરાશે.
પાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો ઠરાવ કરાયો
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત ગત તા. 2જી ફેબ્રુઆરીએ યોજાયેલા રાજય સરકારના બજેટ સેશનમાં કરાઈ હતી. ત્યારે આ જાહેરાત બાદ સૌ પ્રથમવાર ગુરૂવારે મળેલી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરવાનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરાયો હતો.
નગરપાલિકાના અંદાજપત્રમાં વિવિધ વિભાગમાં ફાળવાયેલી રકમો
- 3.03 કરોડ રૂપિયા જાહેર સલામતી માટે ફાળવાયા
- 41.95 કરોડ રૂપિયા જાહેર આરોગ્ય સવલતો માટે ફાળવાયા
- 4 કરોડ રૂપિયા વોટર વર્કસ રીકરીંગ માટે
- 10 લાખ રૂપિયા બોરીંગ અને હેન્ડપંપની મરામત માટે
- 1.10 કરોડ રૂપિયા પાણી પુરવઠા નીભાવણી, લીકેજ પાઈપ લાઈન રીપેર કરવા માટે
- 55 લાખ રૂપિયા મેલા પાણી માટે ટ્રક, ટ્રેકટર, હાઈડ્રોલીક ડમ્પર સહિતના વાહનોની ખરીદી માટે
- 5.45 કરોડ રૂપિયા શહેરની સફાઈ કામગીરી, ડોર-ટુ-ડોર કચરા કલેકશન, સફાઈના વાહન માટે ડીઝલ ખર્ચ
- 7 કરોડ રૂપિયા રસ્તા, ગટર, નાળા મરામત માટે
- 1.19 કરોડ રૂપિયા સ્મશાન નિભાવણી, લાયબ્રેરી, બાલમંદિર, રમતગમત અને સાંસ્કૃતીક પ્રવૃતીઓ માટે
શહેરમાં રૂ. 157.72 કરોડના ખર્ચે કયા-કયા વિકાસના કામો કરાશે
- અમૃત/અમૃત 2.0 યોજના અન્વયે રૂપિયા 35 કરોડના કામો થશે
- મેકસન સર્કલથી હેલીપેડ સુધી ફલાયઓવર માટે રૂ. 20 કરોડ ફાળવાયા
- એમ.પી.શાહ કોલેજ સામેથી બસ સ્ટેશન સુધી રીવરફ્રન્ટના બાકી કામ માટે રૂ. 3 કરોડ ફાળવાયા
- 15મા નાણાપંચ યોજના અન્વયે રૂપીયા 10 કરોડના વિકાસના કામો થશે
- ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી થકી રોડની બન્ને સાઈડ પેવરબ્લોક માટે રૂ. 10 કરોડ
- શહેરીજનોને સિટી બસની સુવિધા આપવા રૂ. 5 કરોડની જોગવાઈ કરાઈ


