- ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી તંગદિલી જવાબદાર, કેનેડાને મોટો ફટકો પડયો
- અરજીઓ 2022ના છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ 19,579 થઈ
- ખાસ કરીને પંજાબના યુવાનોમાં કેનેડામાં સ્થાયી થવાનો ભારે ક્રેઝ છે
ભારત અને કેનેડા વચ્ચે ગત વર્ષે સપ્ટેમ્બરથી તંગ બનેલા સંબંધોની અસર એવા ભારતીયો પર પણ થઈ છે કે જેઓ કેનેડામાં કાયમી વસવાટના સપના જોઈ રહ્યા હતા. ભારત-કેનેડા વચ્ચે દ્વિપક્ષી તણાવની અસર ઇમિગ્રેશન પેટર્ન પર જોવા મળી છે. આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર, 2023માં કેનેડામાં કાયમી વસવાટ (પરમેનન્ટ રેસિડેન્સી-પીઆર) માટે ભારતીયોની અરજીઓની સંખ્યામાં 62 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. અત્યાર સુધી ઘણા ભારતીય યુવાનો કેનેડામાં વસવાટના સપના જોતા હતા. ખાસ કરીને પંજાબના યુવાનોમાં કેનેડામાં સ્થાયી થવાનો ભારે ક્રેઝ છે. કેનેડા સરકારના ઇમિગ્રેશન, રેફ્યૂજિસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના આંકડા અનુસાર એક વર્ષ પૂર્વે એટલે કે ડિસેમ્બર, 2022માં આવી અરજીઓની સંખ્યા 16,796 હતી, જે ડિસેમ્બર, 2023માં ઘટીને 6,329 થઈ ગઈ હતી.
2023ના છેલ્લા ત્રિમાસિકમાં ભારતીયોની અરજીઓ 2022ના છેલ્લા ત્રિમાસિકની સરખામણીએ 35,735થી ઘટીને 19,579 થઈ ગઈ હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ગત વર્ષે સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં વ્યાપેલી તંગદિલીને ગણવામાં આવી રહ્યું છે. ગત વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં આરોપ મૂક્યો હતો કે 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારા નજીક ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવાયેલા લોકો અને ભારતીય એજન્ટો વચ્ચે સાઠગાંઠ હોવાના વિશ્વસનીય પુરાવા છે. તે સમયે ભારતે કેનેડાના આરોપોને ફગાવવાની સાથોસાથ તેને કડક શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે જો આ મામલે કેનેડા પાસે પુરાવા હોય તો તે ભારતને સોંપે પરંતુ કેનેડા આજદિન સુધી વિશ્વસનીય પુરાવા સોંપી શક્યું નથી. આ પ્રકરણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બદથી બદતર થઈ ગયા હતા. પહેલાં કેનેડાએ ભારતીય રાજદ્વારીને ઓટાવા છોડવા ફરમાન કર્યું. ત્યાર બાદ ભારતે પણ ઓક્ટોબર, 2023માં કેનેડાના 41 રાજદ્વારીઓને તગેડી મૂક્યા હતા.
ભારતીયોની અરજીમાં ઘટાડાનું આ પણ એક કારણ
કેનેડામાં વસવાટ માટેની ભારતીયોની અરજીઓમાં ધરખમ ઘટાડાનું અન્ય એક મોટું કારણ એ પણ છે કે ભારતમાં કેનેડાના રાજદ્વારીઓની સંખ્યા નહિવત્ છે. જાન્યુઆરી, 2023થી સપ્ટેમ્બર, 2023 દરમિયાન કુલ 90,215 ભારતીયોએ સ્થાયી ઇમિગ્રેશન માટે અરજી કરી હતી, જે તમામ દેશો તરફથી મળેલી અરજીઓમાં સૌથી વધુ હતી. 2022માં કુલ 4,26,730 અરજીઓ મળી હતી, જેમાંથી ભારતની 1,12,107 અરજીઓ હતી.


