- 24 કલાકમાં જ મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો
- તાપમાનનો પારો 36 ડીગ્રી પર પહોંચ્યો છે
- બપોરના સમયે નગરજનો ગરમીમાં શેકાયા હતા
પાટનગરમાં ઉનાળો શરૂ થઈ ગયો હોય એમ સિઝનનું સૌથી ઉચુ 36.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ.છેલ્લે 10 નવેમ્બર 2023ના રોજ 36 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે 109 દિવસ એટલે કે સાડા ત્રણ મહિના પછી તાપમાનનો પારો 36 ડીગ્રી પર પહોંચ્યો છે.
અઠવાડિયા પહેલાં ઠંડીના થોડા ચમકારા બાદ શહેરના તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને મહત્તમ તાપમાનમાં 4 દિવસમાં 6 ડીગ્રી જેટલો વધારો નોંધાયો છે. અઠવાડિયાની શરૂઆતમાં સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 30 ડીગ્રી હતું, જેમાં ગુરુવારે 36 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જેને પગલે બપોરના સમયે નગરજનો ગરમીમાં શેકાયા હતા. સાડા ત્રણ મહિના પહેલાં 36 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જે બાદ 11 નવેમ્બર 2023 તથા થોડા દિવસ પહેલાં 18 ફેબ્રુઆરીના રોજ 35 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના બધા દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 22થી લઈને 34 ડીગ્રીની વચ્ચે રહ્યું હતું. છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન સતત વધી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં જ મહત્તમ તાપમાનનો પારો 3 ડીગ્રી ઉચકાયો છે. ગુરુવારે મહત્તમ 36 ડીગ્રી સામે લઘુત્ત તાપમાન 19 ડીગ્રી રહ્યું હતું. એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં બેવડો તફાવર રહ્યો હતો. શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 51 ટકા જ્યારે સાંજે 24 ટકા નોંધાયું હતું.


