- કાયમી નોંધણીની ફાઇલો DEO કચેરીઓ દબાવી રાખતી હોવાનો ઘટસ્ફોટ
- કામ ચલાઉ મંજૂરી મળેલ 133 શાળાઓ પૈકી માત્ર 45ની જ દરખાસ્ત મોકલી
- સૌથી વધુ સુરતની 16, વડોદરાની 7, રાજકોટની 5, અમદાવાદ શહેર 5 દરખાસ્તો પડતર હોવાનું જાણવા મળે છે
નવી ખાનગી શાળાઓની કામ ચલાઉ મંજૂરી મળ્યા બાદ કાયમી નોંધણી માટેની ફાઇલો ડીઈઓ કચેરી દ્વારા દબાવી રાખવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યની ડીઈઓ કચેરીઓ દ્વારા સ્કૂલોની મંજૂરીની ફાઇલો દબાવી રાખી નાણાકીય માગણી કરાતી હોવાના એક બોર્ડ સભ્ય દ્વારા આક્ષેપ કરાયા છે. બોર્ડ સભ્ય દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ જૂન-2023ની સ્થિતિએ રાજ્યમાં કુલ 133 શાળાઓને કામ ચલાઉ મંજૂરી આપવામાં આવી હતી જે પૈકી ડીઈઓ કચેરી દ્વારા માત્ર 45 જ દરખાસ્ત ગાંધીનગર મોકલી અપાઈ છે. આમ કામ ચલાઉ મંજૂરી મળી હોય તેવી 88 શાળાઓની દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચી ન હોવાની વિગતો જાણવા મળે છે.
શિક્ષણ બોર્ડના સંચાલક મંડળના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે જાહેર કરેલ વિગતો મુજબ, જૂન-2023થી રાજ્યમાં જુદીજુદી 133 શાળાઓને બોર્ડ દ્વારા કામચલાઉમ મંજૂરી આપવામાં આવી હતી. આ 133 શાળાઓને કામચલાઉ મંજુરી મળ્યા બાદ તે પૈકી 45 જેટલી સ્કૂલોની દરખાસ્ત DEO કક્ષાએથી બોર્ડની કચેરીને મળી હતી. બોર્ડ સમક્ષ આવેલી દરખાસ્ત પૈકી 15 જેટલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 21 જેટલી દરખાસ્તો અધૂરી હતી, આથી શિક્ષણ બોર્ડ દ્વારા આ તમામ 21 દરખાસ્તો DEOને પરત કરી હતી. જ્યારે બોર્ડની કચેરી ખાતે 9 જેટલી દરખાસ્તો હાલમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત 88 જેટલી દરખાસ્તો જિલ્લા કક્ષાએ પડતર હોવાનું જાણવા મળે છે. જેમાં સૌથી વધુ સુરતની 16, વડોદરાની 7, રાજકોટની 5, અમદાવાદ શહેર 5 દરખાસ્તો પડતર હોવાનું જાણવા મળે છે.
નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી મળ્યા બાદ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં તે દરખાસ્ત મુકાય છે અને ત્યારબાદ સ્કૂલોને કામચલાઉ મંજૂરી અપાય છે. કામચલાઉ મંજૂરી મળ્યાના 6 માસ પછી સ્કૂલની સ્થળ ચકાસણી સહિતની કામગીરી કરી જિલ્લા કક્ષાએથી કાયમી નોંધણી માટે બોર્ડને દરખાસ્ત કરવાની હોય છે.


