- પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતા દીકરી પતિને સોંપી હતી
- અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી
- પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો
અમદાવાદમાં પુત્ર પ્રેમમા અંધ બનેલા પિતાએ 5 માસની પુત્રીની હત્યા કરી છે. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતા બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી. જોકે સારવાર પુરી થઈ ત્યાં સુધીમાં પતિએ પુત્રીની હત્યા નિપજાવી હતી. જે અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.
સારવાર માટે હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી
આરોપીએ પોતાની જ પાંચ માસની દીકરી ઈકરાનુરની ગળું દબાવી હત્યા નીપજાવી હતી. જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા જ સ્થાનિકો જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે. જો બનાવ પર વિગતવાર નજર કરીએ તો ગઈકાલે ફરિયાદી કુરેશાબાનુ પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવાર માટે હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી.
અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી
જોકે બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવી ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અને તેના પતિને પોલીસે પકડી રાખ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતા કુરેશાબાનુએ પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો
ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા કરતો હતો. સાથે જ પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો. જેના કારણે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ હતી. ત્યારે સવાલ એ છે કે, દિકરીનો અણગમો એટલી હદે વધ્યો કે પિતા પોતાની જ પુત્રીનો હત્યારો બન્યો હતો.


