- શાહિલ મલેક નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો
- સજા અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ
- વાલીઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
જૂનાગઢ શહેરની એક સ્કૂલમાં વિદ્યાર્થીને મોઢે સેલોટેપ બાંધીને બે કલાક સુધી સજા આપવામાં આવી હતી. જેને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી વેલકમ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને મોટે સેલોટેપ બાંધી અને બે કલાકની સજા આપી હતી.
શાહિલ મલેક નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો
ધોરણ બેમાં અભ્યાસ કરતા શાહિલ મલેક નામનો વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ વાતો કરતો હતો. તેની ફરિયાદ અવારનવાર પ્રિન્સિપાલ સુધી પહોંચતી હતી અને ગત શનિવારના રોજ સાહિલ મલેકના ક્લાસ ટીચર દ્વારા ફરીથી ક્લાસમાં પોતાના મિત્ર સાથે વાતો કરતો હોવાની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી અને પ્રિન્સિપાલે તેને રિસેસમાં નાસ્તો કર્યા બાદ મોઢે સેલોટેપ બાંધી દીધી હતી.
આ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ
આ અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતુ કે બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાહિલ મલેકને મોઢે સેલોટેપ મારવામાં આવી હતી કારણ કે સજામાં તેને મારી શકાતો નથી. તેમ જ અન્ય કોઈ સજા આપી શકાતી નથી. તેથી કરીને મોઢા ઉપર સેલોટેપ મારીને ન બોલવાથી કેટલી મુશ્કેલી સર્જાય છે તે અહેસાસ કરાવવા આ સજા આપવામાં આવી હોવાનું સ્વીકાર કરાયો છે. આમ આ શાળાના આચાર્ય અને સંચાલકો સામે બાળકોને આવી આકરીસજા આપવામાં આવી હતી જેને લઈને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.


