- કાનપુરમાં તમાકુ કંપની પર ઇન્કમટેક્સ વિભાગની રેડ
- રોલ્સ રોય, ફેરારી જેવી લક્ઝુરિયસ કાર મળી આવી
- 4.5 કરોડ રોકડ પણ કરી જપ્ત
કાનપુરમાં ઇન્કમટેક્સ વિભાગે બંશીધર તમ્બાકુ કંપની પર રેડ પાડી છે. કાનપુરની સાથે સાથે કંપનીના દિલ્હી, મુંબઇ, ગુજરાત સહિત 20 સ્થળો પર રેડ પાડી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીનું ટર્ન ઓવર 20 થી 25 કરોડ બતાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં રિયલ ટર્નઓવર 100 થી 150 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
50 કરોડની વધુની કિંમતની મળી કાર
આવકવેરા વિભાગની ટીમે કંપનીના માલિક શિવમ મિશ્રાના દિલ્હી નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. જે વસંત વિહારમાં આવેલું છે. શિવમ મિશ્રાના ઘરેથી 50 કરોડથી વધુની કિંમતની કાર મળી આવી છે. જેમાં 16 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ પણ સામેલ છે. શિવમ મિશ્રાના ઘરેથી મળી આવેલી અન્ય લક્ઝરી કારમાં મેકલેરેન, પોર્શે અને લેમ્બોર્ગિનીનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે તમામ કારની પ્લેટના અંતે ‘4018’ નંબર લખ્યું છે.
રેડ પાડવાની કામગીરી બીજા દિવસે ચાલુ
મહત્વનું છે કે 29 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે તમાકુ કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના માલિકના દિલ્હીના ઘરેથી 60 કરોડ રૂપિયાથી વધુની કાર મળી આવી હતી. જેમાં 16 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ પણ સામેલ છે. બંશીધર ટોબેકો કંપની’ના માલિકના પુત્ર શિવમ મિશ્રાના ઘરે જે કારની તલાશી લેવામાં આવી હતી તેમાં મેકલેરેન, લેમ્બોર્ગિની, ફેરારી, રોલ્સ રોયસ જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.
4.5 કરોડ રોકડ જપ્ત કરી
મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગે દરોડા દરમિયાન 4.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કેટલાક અતિ મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમાકુ કંપની એકાઉન્ટ્સમાં દર્શાવેલ કંપનીને નકલી ચેક આપી રહી હતી, પરંતુ બીજી તરફ અન્ય મોટા પાન મસાલા હાઉસમાં પ્રોડક્ટ સપ્લાય કરી રહી હતી. તમાકુ કંપની રૂ. 20-25 કરોડનું ટર્નઓવર બતાવતી હતી જે વાસ્તવમાં રૂ. 100 થી 150 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.


