- લોકસભા ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તડામાર તૈયારીઓ
- ટૂંક સમયમાં થશે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર
- યુવરાજને ગુરદાસપુરથી તો અક્ષયને ચંદીગઢ-દિલ્હી બનાવી શકે છે ઉમેદવાર
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા એક મહત્વની માહિતી સામે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણીમાં અનેક સેલિબ્રિટીઝને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. જેમાં, પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અને બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારનું પણ નામ સામેલ છે.
યુવરાજને ગુરદાસપુર, અક્ષયને દિલ્હી-ચંડીગઢ બેઠક
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને ભાજપ ગુરદાસપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. તો, અભિનેતા અક્ષય કુમારને ચંદીગઢ અથવા દિલ્હી બંને માંથી કોઈપણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે છે. તો, માહિતી મળી રહી છે કે, ભાજપ પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાને પણ દક્ષિણ ભારતની કોઈ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે.
ભારતીય જનતા પાર્ટીની ગુરુવારે 29 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં એવા ઉમેદવારોના નામ હશે જેમની સ્થિતિ મજબૂત છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહના નામ સામેલ હોઇ શકે છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ અનેક હસ્તીઓને ટિકિટ આપીને ચૂંટણી માઈલેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ એ જ બેઠકો છે જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
એક-બે દિવસમાં ઉકેલાશે ગઠબંધનનું ગણિત
તો, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાજપ આગામી બે દિવસમાં બિહાર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ગઠબંધનનું ગણિત ઉકેલી લેશે અને પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત કર્યા બાદ ઉમેદવારોના નામ પર વહેલી તકે ચર્ચા કરવામાં આવશે. પંજાબમાં અકાલી દળ, આંધ્રપ્રદેશમાં TDP અને બિહારમાં JDU, LJP, જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સાથે સમાધાન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે 3 માર્ચની સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાજપ કોને ક્યાંથી મેદાનમાં ઉતારશે.


