- નોનવેજ બનાવનાર સામે કાર્યવાહી કરવા મહેશગીરી બાપુની માંગ
- ભવનાથ વિસ્તારમાં નોનવેજ બનતા હોવાનો વિડીયો વાયરલ
- ગીરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવા દત્તાત્રેય શિખરના મહંત દ્વારા કરાઈ માંગ
મહાશિવરાત્રિના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે, ત્યારે મહાદેવના ધામ ભવનાથમાં લોકોની લાગણી દુભાય તેવી ઘટના બની છે. શિવરાત્રિ પહેલા એક વીડિયો વાયરલ થયો છે. ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. નોનવેજ બનાવવામાં આવતું હોવાના વીડિયોથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કેટલાક શખ્સો દ્વારા માંસાહાર રાંધવામાં આવતો હોય તેવો આ વીડિયો છે. થોડા સમય પૂર્વે જ ભવનાથને વેજ-ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માગણી પણ ઉઠાવી છે.
વીડિયો બન્યું ચર્ચાનુ કેન્દ્ર
ભવનાથમા નોન વેજ બનાવવામાં આવતું હોવાનો વીડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ વિશે મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું કે, આવા લોકો સામે કડક પગલા લેવા જોઈએ. જે કોઈએ આવા કૃત્ય કર્યા હોય તેને શોધી કાઢવા જોઈએ. આવા કૃત્ય ફરી ન બને તેનું ધ્યાન રખાઈ જેથી લાખો ભાવિકોને ઠેસ ન પહોંચે. આમ, નોન વેજ બનાવવામાં આવતો હોવાનો વાયરલ વીડિયો હાલ સમગ્ર જુનાગઢ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અગાઉ પણ બની છે આવી ઘટના
સાધુ સંતોનુ કહેવુ છે કે,અગાઉ પણ કેટલાક વ્યકિતઓ દ્રારા નોનવેજ બનાવવામાં આવતું હતુ,તો તંત્ર ને આ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપીને પણ જાણ કરી છે,પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી,તો સાધુ સંતોની એ પણ માંગ છે કે,જે લોકો નોનવેજ બનાવે છે તેમને કાયમ માટે ભવનાથ તળેટીથી દૂર કરવામાં આવે,જો તંત્ર દ્રારા આગળના દિવસોમાં કોઈ પગલા ભરવમાં નહી આવે તો સાધુ સંતો ઉગ્ર વિરોધ કરી શકે છે.


