- ઉમેદવારો શનિવારે બપોરે બે વાગ્યા સુધીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે
- વડાપ્રધાનની ચૂંટણીપ્રક્રિયા નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા કરવામાં આવશે
- પીએમએલ-એન પીપીપીના આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિપદ માટે પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે
પાકિસ્તાનને રવિવારે એટલે કે ત્રીજી મેએ નવા વડાપ્રધાન મળશે. થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના સચિવાલયે દેશના નવા વડાપ્રધાનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના નેતા શહબાઝ શરીફ વડાપ્રધાનપદની રેસમાં સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે.એક માહિતી અનુસાર, વડાપ્રધાનપદ માટેના ઉમેદવારો શનિવારે બપોરે બે વાગ્યા સુધીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે અને ઉમેદવારીપત્ર જમા કરાવી શકશે. ઉમેદવારીપત્રોની તપાસ તે જ દિવસે પૂરી કરી લેવામાં આવશે. વડાપ્રધાનની ચૂંટણીપ્રક્રિયા નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા કરવામાં આવશે. પીએમએલ-એનએ 72 વર્ષના શહબાઝ શરીફને વડાપ્રધાનપદના પોતાના ઉમેદવાર તરીકે નામિત કર્યા છે. જેલમાં બંધ પૂર્વવડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરિક-એ- ઇન્સાફ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમર અયૂબ ખાનનું નામ નોંધાવાયું છે. આની પહેલાં જણાવાયું હતું કે ચૂંટણી પંચ પહેલી માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી શકે છે, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના આસિફ અલી ઝરદારીની જીત લગભગ નક્કી મનાતી હતી. પાકિસ્તાની મીડિયાએ પાક. ચૂંટણી પંચના પ્રવક્તાને આધાર તરીકે ટાંકીને કહેલું કે બધી ચાર રાજ્ય વિધાનસભાઓ 29 ફેબ્રુઆરી સુધી અસ્તિત્વમાં આવી જશે.
30 દિવસમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી જરૂરી
બંધારણીની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી સંપન્ન થયાનાં માત્ર 30 દિવસની અંદર જ થવી જોઈએ. આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થઈ હતી. તેનો અર્થ એવો કે નવમી માર્ચ પહેલાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જવી જોઈએ.
ત્રિશંકુ પરિણામ મળ્યાં હતાં :
આઠમી ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીનાં ત્રિશંકુ પરિણામો આવ્યાં હતાં. કોઈ પણ દળને સ્પષ્ટ બહુમત મળ્યો નહોતો. ત્યાર બાદ પીએમએલ-એન અને પીપીપીએ ગઠબંધન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ ગઠબંધન એવી શરતે બન્યું કે પીપીપીના આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિપદ મળશે. જ્યારે પૂર્વવડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને પંજાબ રાજ્યનું મુખ્યમંત્રીપદ મળશે.


