- ન્યૂઝીલેન્ડને 179માં ઓલઆઉટ કરી ઓસ્ટ્રેલિયાએ 204 રનની લીડ મેળવી
- સ્ટિવ સ્મિથ ખાતું ખોલાવ્યા વિના અને લાબુશેન બે રન બનાવીને આઉટ થયા હતા
- ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંતે બીજા દાવમાં બે વિકેટે 13 રન બનાવ્યા હતા
યજમાન ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે કેટલાક રેકોર્ડ નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓએ નોંધાવેલી સિદ્ધિઓની વચ્ચે ન્યૂઝીલેન્ડને બેકફૂટ ઉપર ધકેલીને મેચમાં પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું. પ્રથમ દાવમાં 383 રનના સ્કોરે ઓલઆઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડને 179 રનના સ્કોરે ઓલઆઉટ કરીને 204 રનની મજબૂત લીડ મેળવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંતે બીજા દાવમાં બે વિકેટે 13 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા કુલ 217 રન આગળ થયું છે. સ્ટમ્પના સમયે ખ્વાજા પાંચ તથા નાઇટવોચમેન નાથાન લાયન 6 રને રમી રહ્યા હતા. સ્ટિવ સ્મિથ ખાતું ખોલાવ્યા વિના અને લાબુશેન બે રન બનાવીને આઉટ થયા હતા. આ બંને વિકેટ સાઉથીએ ઝડપી હતી.
ગ્રીન ટોપ પિચ ઉપર ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે કિવિ ટીમની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. ટોચના પાંચ બેટ્સમેન 29 રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા. મિડલ ઓર્ડરમાં ગ્લેન ફિલિપ્સે 70 બોલમાં 13 બાઉન્ડ્રી વડે 71 તથા મેટ હેનરીએ 34 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે 42 રનનું યોગદાન આપ્યું હતું.


