- ગુરુવાર રાત્રે થયેલા વરસાદ અને હજુ એક દિવસની આગાહીથી ખેડૂતો ચિંતિત
- આંબાવાડી તેમજ ચણા, વાલ, તુવેર સહિતના શાકભાજી પાકમાં નુકસાનની ભીતિ
- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદના એંધાણ
ભાવનગરના ઘોઘા, કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો તેમજ વાગરા તાલુકામાં ગુરૂવારે રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે તેમજ હજુ એક દિવસની વધુ આગાહી હોવાથી આ વિસ્તારના ખેડૂતો ચિંતામા મુકાયા છે. અચાનક પડેલા આ માવઠાના પગલે આંબાવાડી તેમજ ચણા, વાલ, તુવેર, સહિતના શાકભાજી પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાવનગરના ઘોઘા પંથકના ગામડાઓમા ગુરૂવારે રાત્રે વીજ ચમકારા અને વાદળોની ગડગડાટી સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેતીપાકને નુકસાનની દહેશત વ્યાપી છે. ઘોઘા તાલુકાના મલેકવદર, બાડી, પડવા, કોળિયાક, હોઈદડમા ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.કપરાડા તાલુકાના અંતરિયાળ સુથારપાડા, બારપુડા, કેળધા જેવા છેવાડાના ગામો સહિતના વિસ્તારોમાં ગુરૂવારે રાત્રે 8 વાગ્યાના સુમારે એકાએક ઠંડો પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો. આ સિવાય ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં તેમજ અન્ય વિસ્તારોમા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે આંબાવાડીમાં કેરીના ઝાડ પર ફૂંટેલ મંજરીઓને નુકસાન થવાની આશંકા છે. આ ઉપરાંત ચણા, વાલ, તુવેર, ચોળી સહિતના શાકભાજીના પાકને પણ નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદના એંધાણ
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં શનિવારના રોજ કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. હવામાન ખાતાએ કરેલી આગહી મુજબ, વડોદરા, છોટા ઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ પડી શકે.


