- ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે ફફડતું વિશ્વ
- રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ લીક
- ડોક્યુમેન્ટમાં સામે આવ્યો પરમાણુ હથિયારોને લઈને પ્લાન
હાલ અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે રશિયા અને યુક્રેન જ્યાં છેલ્લા બે વર્ષથી આમને સામને છે તો બીજી બાજુ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં પણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાય દેશોના સંબંધોમાં ઘણો તણાવ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલો તણાવ લોકોને ચિંતિત કરી રહ્યો છે કે ક્યાંક સ્થિતિ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ન પરિણમે. પરંતુ, જો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તો પરમાણુ હથિયારોનો પ્રયોગ પણ થશે. આવી સ્થિતિમાં અનેક દેશોનું અસ્તિત્વ ખતમ થઈ જશે તે નિશ્ચિત છે.
રશિયા ક્યારે કરી શકે છે પરમાણુ હથિયારોનો પ્રયોગ?
વિશ્વભરમાં ચાલી રહેલ ઉઠાપટક વચ્ચે એક આંતરરાષ્ટ્રીય મીડિયાએ લીક થયેલ દસ્તાવેજોના માધ્યમથી એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આખરે કઈ સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટમાં પરમાણુ હથિયારના પ્રયોગને લઈને અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે. લીક થયેલ ફાઈલો 2008થી 2014વચ્ચેની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુજબ રશિયા પરમાણુ હથિયારોનો પ્રયોગ ક્યારે અને કેવી સ્થિતિમાં કરશે તેનો આખો પ્લાન તેણે તૈયાર રાખ્યો છે.
લીક થયેલ ફાઇલ્સ અનુસાર, રશિયા જે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું છે તેનાથી આખું શહેર ખતમ નહિ થાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સેના કેટલી તારાજી બાદ પોતાના પરમાણુ હથિયારોથી હુમલો શરૂ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે જો રશિયાની 20 ટકા વ્યૂહાત્મક બેલિસ્ટિક મિસાઇલ સબમરીન તબાહ થઈ જશે ત્યારે તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું શરૂ કરશે.
ચીનને રોકવા માટે પરમાણુ હથિયારો
લીક થયેલા દસ્તાવેજ અનુસાર, જો રશિયાના ત્રણ એરફિલ્ડ નષ્ટ થઈ હશે તો તે પરમાણુ હુમલો કરશે. એટલું જ નહીં, જો 30 પરમાણુ સંચાલિત સબમરીન નષ્ટ થઈ જાય તો પણ રશિયા પરમાણુ હુમલા કરવાનું શરૂ કરી દેશે.
દસ્તાવેજમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે તે કયા સંજોગોમાં ચીન પર પરમાણુ હુમલો કરી શકે છે. રિપોર્ટ અનુસાર જો ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ થાય છે તો રશિયા ચીનને રોકવા માટે ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરી શકે છે.


