દીવના વણાંકબારા દરિયામાં ફિશિંગ બોટ ફસાઈ: ભારે મથામણ અને સ્થાનિકોની મદદથી બોટ બહાર કઢાઈ
પ્રથમ જ ફિશિંગ ટ્રિપમાં બોટને મોટું નુકસાન થતાં માલિક નિરાશ; બારાની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા માછીમારોની માંગ
અગ્ર ગુજરાત, દીવ
દીવના વણાંકબારા દરિયાકાંઠે એક ફિશિંગ બોટ દરિયામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. વણાંકબારાના ખાડીમુખ (બારા) પાસે નીતિનભાઈ વેલજીભાઈ બારીયાની માલિકીની ‘મા મેલડી કૃપા’ નામની ફિશિંગ બોટ અચાનક દરિયામાં ફસાઈ ગઈ હતી. સાંજના સમયે સર્જાયેલી આ દુર્ઘટના બાદ ભારે મહેનત કરવા છતાં બોટ રેતીમાં ખૂંપી રહેતાં દરિયામાંથી બહાર નીકળી શકી નહોતી.
મોડી રાત્રે દરિયામાં પાણીની સપાટી (ભરતી) વધતાં અને સ્થાનિક લોકો તેમજ અન્ય માછીમાર ભાઈઓએ મદદે આવી ભારે જહમત ઉઠાવતાં બોટને સક્ષમ રીતે દરિયાકિનારે લાવી શકાઈ હતી. ત્યારબાદ બોટમાં સર્જાયેલા ભંગાણ અને સમારકામ (રિપેરિંગ) અર્થે ક્રેઈનની મદદથી તેને જેટી પર ચડાવવામાં આવી હતી.
સિઝનની પ્રથમ જ ફિશિંગ ટ્રિપમાં આ પ્રકારે બોટ ફસાઈ જતાં અને મોટું આર્થિક નુકસાન પહોંચતાં બોટ માલિક ભારે નિરાશ થઈ ગયા છે. વણાંકબારા ખાતે અવારનવાર બારામાં રેતી ભરાઈ જવાની સમસ્યાના કારણે માછીમારોની બોટો ફસાવાના બનાવો બને છે. આથી માછીમાર સમુદાય દ્વારા વણાંકબારાની આ ગંભીર સમસ્યાનું વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


