- દિલ્હી, મુંબઇ, કોલકાતા, રાયપુર, ઇન્દોર, ગુરુગ્રામમાં દરોડા બાદ કાર્યવાહી
- સટ્ટાબાજી એપથી થયેલી ગુનાહિત કમાણીને હવાલા મારફત ટ્રાન્સફર કરવામાં આવતી હતી
- સ્ટોક માર્કેટમાં સટ્ટાબાજીના પૈસા રોક્યા હતા
એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી કેસમાં ગુનાની આવકથી કમાયેલા 580 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. તે ઉપરાંત દરોડાની કાર્યવાહી દરમિયાન 1.86 કરોડ રૂપિયા રોકડા અને 1.78 કરોડની કિંમતી વસ્તુઓ પણ જપ્ત કરી છે. દરોડાની આ કાર્યવાહી તાજેતરમાં જ ઈડીએ દિલ્હી, મુંબઇ, કોલકાતા, રાયપુર, ઇન્દોર અને ગુરુગ્રામમાં કરી હતી. ઈડી અનુસાર આ કેસમાં ગુનાથી કમાવાયેલી અંદાજિત આવક 6,000 કરોડ રૂપિયા છે. છત્તીસગઢ પોલીસની એફઆઇઆર પર ઈડીએ પોતાની તપાસ શરૂ કરી હતી તે સિવાય વિશાખાપટ્ટનમ પોલીસ અને કેટલાક અન્ય રાજ્યોની પોલીસે પણ મહાદેવ એપ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેને પણ ઈડીએ રેકોર્ડ પર લીધા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે મહાદેવ એપનું સંચાલન દુબઇથી થતું હતું, જેની ઘણાં દેશોમાં અલગ-અલગ નામે ફ્રેન્ચાઇઝી 70થી 30 ટકા પ્રોફિટ માર્જિન પર અપાઈ હતી. મહાદેવ એપના પ્રમોટર્સ કેટલીક અન્ય બેટિંગ એપ જેમ કે રેડી અન્ના ફેર પ્લે અને અન્ય એપમાં પણ પાર્ટનર હતા. આ એપ મારફત થનારી કમાણીને નકલી બેન્ક એકાઉન્ટ અને હવાલા મારફત એક અન્ય સ્થળે ટ્રાન્સફર કરાતી હતી.
સ્ટોક માર્કેટમાં સટ્ટાબાજીના પૈસા રોક્યા હતા
ઈડીએ હરિ શંકરના ઠેકાણા અને તેની નજીકના લોકો સામે કરાયેલી દરોડાની કાર્યવાહીમાં જાણવા મળ્યું હતું કે તે સ્વયં સ્કાય એક્સ્ચેન્જ નામે પોતાની એક બેટિંગ એપ પણ ચલાવતો હતો. આ બેટિંગ એપથી થતી કમાણીને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એફપીઆઇ મારફત ઇન્વેસ્ટ કરતો હતો. તે સિવાય તેણે પોતાના ઘણાં સાથીઓને નકલી કંપનીમાં ડાઇરેક્ટર અને કર્મચારી તરીકે દેખાડી રાખ્યા હતા.


