- વેપારીઓ તંત્ર સામે કોઈપણ પ્રકારની બાંધછોડ નહી કરે
- તંત્ર અને વેપારી વચ્ચેની બેઠક નિષ્ફળ
- વેપારીઓ ધંધો બંધ રાખીને નુકસાન ભોગવી રહ્યાં છે
શિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભવનાથ ક્ષેત્રના વેપારીઓ દ્વારા બીજે દિવસે પણ વેપાર તથા બંધ રાખવામાં આવ્યા હતા. એક તરફ શિવરાત્રીના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ ભવનાથ વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખી તંત્રના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રે દિવસેને દિવસે ખ્યાતિ પામતું ભવનાથ તીર્થ ક્ષેત્ર ભાવિકોના આસ્થા નું કેન્દ્ર છે. યારે છેલ્લા બે દિવસથી ભવનાથમાં ચા-પાણી ,ફરસાણ ,નાસ્તો રમકડા તમામ પ્રકારની દુકાનો બે દિવસથી બંધ છે.હાલના સમયમાં અહીં આવતા ભાવિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હોવાથી પ્રવાસીઓને પીવાના પાણીની પણ પરેશાની ભોગવવી પડે છે.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ
આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઇ તંત્ર અને વેપારીઓ આમને સામને આવી ગયા છે. તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે. જેને પગલે આજે વેપારીઓ દ્વારા તમામ વેપાર-ધંધા બંધ કરી દેવાયા છે. સાથે જ તમામ તંત્રના નિર્ણયનો વિરોધ કરવામાં બેસી ગયા છે.
પ્લાસ્ટિક વગર ધંધો
ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.તળેટી આસપાસના ગામોમાં પણ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવામાં વેપારીઓની માંગ છે કે, હાલ દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે. તેવામાં શિવરાત્રિ દરમિયાન પ્લાસ્ટિક વગર ધંધો કરવો અશક્ય છે.


