મુંબઇમાં મુશળધાર! સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર પ્રભાવિત
રાજકોટ સ્ટેશનથી પસાર થતી પોરબંદર-દાદર અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ રદ કરાઇ, હજારો મુસાફરો અટવાયા : ગઇકાલે છ ટ્રેનો રદ કરાઇ હતી
અગ્ર ગુજરાત, રાજકોટ
મુંબઇમાં છેલ્લા ૪૮ કલાકથી મુશળધાર વરસાદ પડતા ચોતરફ જળબંબાકાર સર્જાયો છે અને તેના કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ મુશળધાર વરસાદથી રાજકોટ સ્ટેશનથી પસાર થતી મહત્વની ટ્રેનો રદ કરાતા સૌરાષ્ટ્ર-મુંબઇના રેલવે વ્યવહાર પ્રભાવિત થતા લાખો મુસાફરોને હાલાકી થઇ છે.
મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે આજે 19016 પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે) રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ, તા.૮ના રોજ વેરાવળથી ઉપડનારી ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ, તા.૯ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે. આ ઉપરાંત જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં રેલ ટ્રાફિકને ભારે અસર થઈ છે. સફાળે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ટ્રેક પર પાણી ભરાવાને કારણે મુંબઈ તરફ જતી અનેક મહત્વની ટ્રેનોને સુરત, વલસાડ, વાપી, નવસારી અને બીલીમોરા જેવા સ્ટેશનો પર શોર્ટ-ટર્મિનેટ (અધવચ્ચે જ ટૂંકાવી) કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશનો પર તાબડતોબ ‘સ્પેશિયલ હેલ્પ ડેસ્ક’ શરૂ કરાયા છે અને આગળની મુસાફરી માટે ખાસ ST બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈ સેન્ટ્રલમાં પાણી ભરાવાની સાથે મધ્ય રેલ્વે ઝોનમાં ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે. આ કારણે તંત્ર દ્વારા ટ્રેન નં. 22920અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ અને રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ સહિતની ઘણી ટ્રેનોને સુરત-પાલધી-જળગાંવ-મનમાડ-દૌંડ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. પુણે-ભુજ એક્સપ્રેસ અને પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ જેવી ટ્રેનોને પણ વૈકલ્પિક રૂટ પર દોડાવવામાં આવી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ટ્રેનનું કરન્ટ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે.


