- ડુપ્લિકેટ વેબસાઈટથી છેતરપિંડીનું દેશવ્યાપી રેકેટ પકડાયું
- સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીમાં ભરતીની જાહેરાતો આપી કૌભાંડ આચર્યું
- નોઈડામાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા મનોજે વેબસાઇટ ડેવલપ કરી હતી
સરકારી નોકરીની ન્યૂઝ પેપરમાં જાહેરાતો આપીને દેશભરના અનેક રાજ્યોમાં નાગરિકો સાથે છેતરપિંડી આચરનારી દિલ્હી ગેંગના ત્રણ શખ્સોને દિલ્હીથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી સરકારી ભરતીની જાહેરાત મૂકતા હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, પિૃમ બંગાળ સહિતના રાજ્યોના લોકો પાસેથી ફી પેટે રૂપિયા 2,450 વસૂલવામાં આવતા અને ટ્રેનિંગ આપવામાં આવશે તેમ કહીને ઠગાઈ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ, લેપટોપ સહિત કુલ રૂ. 48 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીમાં નોકરી આપવાની લાલચ આપની દેશભરના લોકો પાસેથી ઠગાઈ આચરતી દિલ્હીના ગેંગના 49 વર્ષના અકરમ તુર્ક, 52 વર્ષના મનોજકુમાર શર્મા અને 55 વર્ષના શિવશંકર અવસ્થીને ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપ્યા છે. ત્રણેય આરોપીઓ દિલ્હી અને ઉતરપ્રદેશના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ સરકારી વિભાગની ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી હતી, તેમાં ભરતી કરવાની છે તે મુજબની માહિતી મૂકતા હતા. આ અંગેની જાહેરાત સુરતની એડ એજન્સી મારફતે ન્યૂઝ પેપરમાં આપતા હતા તથા સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફેર્મ પર પોસ્ટ કરતા હતા. ત્યારબાદ આ ઠગ ટોળકીના ઓફ્સિમાંથી ઉમેદવારોને ફોન કરવામાં આવતો હતો અને રજિસ્ટ્રેશન તથા ટ્રેનિંગ માટે રૂપિયા 2,450 જમા કરવાનું કહેવાતું હતું. ઠગ ટોળકીએ આ પ્રકારે અત્યાર સુધીમાં સાત હજારથી વધુ લોકો પાસેથી રૂપિયા 25 લાખ પડાવી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં ગુજરાતના 4 હજારની વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
નોઈડામાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા મનોજે વેબસાઇટ ડેવલપ કરી હતી
ઝડપાયેલ આરોપીઓમાંથી મનોજકુમાર શર્મા B.A.M.S છે અને નોઈડામાં ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. વેબસાઈટનું તમામ કન્ટેન્ટ જે અંગ્રેજીમાં હોય તે બધુ જ મનોજ બનાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચોથા ધોરણ સુધી ભણેલો અકરમ અસપાક હુસેન તુર્ક વર્ષ 2021માં ભોપાલ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. શિવશંકર અવસ્થીએ પોતાના નામના પાંચથી સાત બેંક એકાઉન્ટ ઉત્તરપ્રદેશની અલગ-અલગ બેંકમાં ખોલાવ્યા હતા. વળી, તે દિલ્હીમાં પોતાનું ન્યૂઝ પેપર પણ ચલાવે છે. આ લોકો તેના અને બીજા લોકલ ન્યુઝ પેપરમાં નોકરી અંગેની જાહેરાત આપતા હતા.
વર્ષ 2018થી લોકો સાથે છેતરપિંડી કરતા હતા
આ શખ્સો વર્ષ 2018થી છેતરપિંડી આચરતા હતા. આ શખ્સો જેવા એકાઉન્ટમાં રૂપિયા જમા થઇ જાય તરત જ ATMમાંથી રૂપિયા કાઢી લેતા હતા અને બાદમાં ઉમેદવારનો ફોન ઉપાડવાનું બંધ કરી દેતા હતા.
પાંચ વર્ષ જૂના સરનામા પર સિમકાર્ડ ખરીદ્યા હતા
કૌભાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ અકરમ તુર્ક છે.તેણે ટેલિકોલર રાખ્યા હતા અને તમામ લોકોના મોબાઈલ ફોન માટે સિમકાર્ડ પાંચ વર્ષ જૂના સરનામાના આધાર-પુરાવા આપીને ખરીદ્યા હતા. જેથી પોલીસને જૂના સરનામાનું લોકેશન મળતું હતું.


