- પાડોશી દેશ પાકિસ્તાનને નવા વડાપ્રધાન મળ્યા
- આઠ ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં જનરલ ઈલેકશન યોજાયું હતું
-
ચૂંટણીમાં ગરબડના આક્ષેપ, મોંઘવારી, આતંકવાદ વચ્ચે શહબાજ સરકારને અનેક પડકાર
આખરે પાડોશી દેશને નેતૃત્વ કરનાર સરકારની રચના થઈ ચુકી છે. પાકિસ્તાનમાં એક મહિના પહેલા યોજાયેલી ચૂંટણી બાદ આખરે આજે શહબાઝ શરીફે વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે નવી ચૂંટાયેલી સંસદમાં બહુમતી જીત્યા બાદ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા શહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા. શહબાઝ શરીફને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) તરફથી સર્વસંમતિથી ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા છે. પીએમએલ-એન પ્રમુખ શહબાઝ (72) પાકિસ્તાનના ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ (74)ના નાના ભાઈ છે.
ભારે હોબાળા વચ્ચે મતદાન યોજાયું
તમને જણાવી દઈએ કે, રવિવારે બપોરે પાકિસ્તાની સંસદમાં પીએમની ચૂંટણી માટે વોટિંગ શરૂ થયું હતું. મતદાન દરમિયાન, શહબાઝે તેમના હરીફ પર 100 થી વધુ મતોની લીડ મેળવી હતી. શહબાઝ શરીફને 201 વોટ મળ્યા જ્યારે પીટીઆઈના ઓમર અયુબ ખાનને 92 વોટ મળ્યા. આ પછી પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની જાહેરાત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શહબાઝ શરીફ સોમવારે વડાપ્રધાન પદના શપથ લેશે. જો કે શહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સત્તાવાર રીતે તમામ સરકારી આદેશો અને વહીવટ તેમના આદેશ હેઠળ આવી ગયા છે.


