- પાલનપુર દાંતા હાઈવે પર ગમખ્વાર અકસ્માતથી દોડધામ
- દાંતા ગ્રામ્યમાંથી ખેતમજૂરી અર્થે જલોત્રા ગામે જતા અકસ્માત નડયો
- બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોઈ અમદાવાદ ખસેડાયા
દાંતા તાલુકાના તોરણિયા ગામથી વડગામ તાલુકાના જલોત્રા ગામમાં ખેતમજૂરીએ આવી રહેલ શ્રામિકોની મેક્સ ગાડીને અકસ્માત થતાં જીપમાં આવેલા 12થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં અને બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા. ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વડગામ પોલીસે ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત બનાવ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર દાંતા તાલુકાના તોરણીયા ગામથી ખેતરમાં મજુરી માટે મેક્સ જીપમાં જલોત્રા ખાતે આવી રહ્યા હતા. તે વખતે અંધારિયા નજીક મેક્સ ગાડી પલ્ટી જતાં બે શ્રામિકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.જ્યારે ઈજા પામેલ લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉ.વિપુલભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જે પૈકી બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.અકસ્માત અંગે મૃતકના પરિવારજનો દ્વારા વડગામ પોલીસ મથકે મેક્સ ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વડગામ પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.
12 ઈજાગ્રસ્તોને સિવિલ ખસેડાયા, બેનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં
પ્રવિણભાઈ ફતાભાઈ ડામોર(ઉ.વ.18), ભરતભાઈ સોનાભાઈ ડામોર(ઉ.વ.20), લવજીભાઈ નાનાભાઈ ડામોર(ઉ.વ.30), જેઠાભાઈ ભગાભાઈ ડામોર(ઉ.વ.45), અમરતભાઈ રઘાભાઈ પારઘી(ઉ.વ.35), આશિષભાઈ ઈસુભાઈ ડામોર(ઉ.વ.15, તમામ રહે.તોરણીયા), મહેશભાઈ હીરાભાઈ ડામોર(ઉ.વ.20, રહે.સુલતાનપુર), કનુભાઈ સતાભાઈ ડામોર(ઉ.વ.18,રહે.તોરણીયા), જોસાભાઈ લાલુભાઈ પારઘી(ઉ.વ.15, રહે.કાગવાસ), તેજલબેન ભેરાભાઈ ડામોર(રહે.સુલતાનપુર), બબીબેન વિનેશભાઈ ડામોર(ઉ.વ.40,રહે.તોરણીયા), ગીતાબેન બંસીભાઈ ડામોર(ઉ.વ.30, રહે.સુલતાનપુર). જ્યારે ગમખ્વાર અકસ્માતમાં ભેરાભાઈ મોતીભાઈ ડામોર(ઉ.વ.40) અને બંસીભાઈ માવાભાઈ ડામોર(ઉ.વ.25, બંને રહે.સુલતાનપુર)ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યાં ટોળામાં ચાલતી ચર્ચા અનુસાર ઉપરોક્ત ગાડી પુરઝડપે દોડી રહી હતી. એ સમયે ગાડીના ટાયર બ્લાસ્ટ થવાથી અકસ્માત થયો હોવાનું કહેવાય છે.


