રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર એ આજે કોગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી રામ-રામ કર્યા હતા. ગઈકાલથી જ અંબરીશ ડેરના પક્ષમાંથી રાજીનામાની ચર્ચાઓ ચાલતી હતી અને તે ચર્ચાનો અંત આવ્યો છે. અંબરીશ ડેર એ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અમદાવાદમાં અંબરીશ ડેરના નિવાસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ મુલાકાતે પહોંચ્યાં હતાં. અને અડધો કલાક સુધી બેઠક થઈ હોવાનુ સામે આવ્યું હતું. સીઆર પાટીલ એ અંબરીશ ડેરના પરીવારજનો સાથે પણ મુલાકાત કરી હતી જોકે અંબરીષ ડેરના માતાની તબિયત નાજુક હોવાથી પાટીલ એ ખબરઅંતર પૂછયા હતાં. ત્યારબાદ અંબરીશ ડેરના પરીવારજનો સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. અને બન્નેની મુલાકાત સમયે આહીર સમાજના અગ્રણી નેતાઓની હાજરી જોવા મળી હતી.
અંબરીશ ડેર દ્વારા પાટીલની મુલાકાત બાદ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવામા આવ્યું હતું. અને પ્રદેશ કોગ્રેસે અંબરીષ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. અંબરીશ ડેર આવતીકાલે ૧૨ વાગ્યા આસપાસ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરીયો ધારણ કરશે. અંબરીશ ડેરના રાજીનામા બાદ તેઓ ભાજપમાં જોડાવાના છે. જેથી કયાંકને ક્યાંક ડેરના સમર્થકોએ પણ સોશિયલ મીડિયામાં અભિનંદન આપી ખુશીઓ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય એ છે કે રાહુલ ગાંધીની ભારત જોડોયાત્રા ગુજરાતમાં પહોંચી તે પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. અંતે દિગગજ નેતા અંબરીશ ડેરે કોગ્રેસને રામ-રામ કરી ભાજપમા જોડાશે. ત્યારે રાજુલા ગ્રામ પંચાયતોમા પણ મોટું ભંગાણ સર્જાઈ શકે તેવા સમીકરણો સર્જાઇ રહ્યાં છે. રાજુલાના રાભડા ગામના સરપંચ અરવિંદગીરી ગોસ્વામી સહિત સભ્યો કેસરીયો ધારણ કરશે તેમ વીડિયોમાં જણાવ્યું હતું. રાભડા ગામના સરપંચ અને સરપંચ મંડળના મહામંત્રી મીડિયા સામે આવ્યાં હતાં. જોકે તેઓએ હાલ અંબરીશ ડેર ભાજપમા જોડાશે તેને સમર્થન આપ્યું હતુ અને અભિનંદન પાઠવ્યાં હતાં. અંબરીશ ડેર ભાજપમા જોડાશેની સાથે જ રાજુલા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો સહિતનાઓ ભાજપ જોડાશે તેમ લાગે છે. અંતે આવતીકાલે અંબરીષ ડેર ભાજપમા જોડાઇને કેસરીયો ઘારણ કરશે.


