- હિંસામાં 9 લોકોનાં મોત થયા છે. જેમાં 4 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે
- હૈતી દેશમાં સતત વધી રહેલા હુમલાને લીધે જનતામાં ભયનો માહોલ
- કુખ્યાત ગેંગ લગભગ એક અઠવાડિયાથી હૈતીમાં હિંસા ફેલાવી રહી છે
કેરેબિયન દેશ હૈતી લાંબા સમયથી આંતરિક હિંસાનો ભોગ બની રહ્યો છે. આ દિવસોમાં દેશમાં સતત હિંસા થઈ રહી છે. ગઈકાલે રાત્રે હિંસક વિરોધ પછી, હૈતીએ સમગ્ર દેશમાં રાત્રિ કર્ફ્યુ અને 72 કલાકની કટોકટી જાહેર કરવાની નોબત આવી છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને જેલમાંથી ફરાર થયેલા લોકોને પકડવામાં આવશે.
કુખ્યાત ગેંગ લગભગ એક અઠવાડિયાથી હૈતીમાં હિંસા ફેલાવી રહી છે. તેઓએ હૈતીની ઘણી સરકારી સંસ્થાઓ પર હુમલો કર્યો હતો. આ પછી હિંસા વધુ ફેલાઈ ગઈ હતી. આ ગેંગ દેશના અનેક ભાગોમાં આગચંપી કરી રહી છે. આટલું જ નહીં તેઓ દુકાનોમાં તોડફોડ કરી રહ્યા છે. હિંસામાં 9 લોકોનાં મોત થયા છે. જેમાં 4 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. પ્રદર્શનકારીઓ પોલીસ સ્ટેશનથી લઈને એરપોર્ટ સુધીની દરેક વસ્તુને નિશાન બનાવી છે.
સરકાર આ કામ ઈમરજન્સી દરમિયાન કરશે
દેશમાં તાત્કાલિક અસરથી 72 કલાકની ઈમરજન્સી લાદવામાં આવી છે. સરકારે કહ્યું કે જેલમાંથી ભાગી ગયેલા ખૂનીઓ, અપહરણકર્તાઓ અને અન્ય હિંસક ગુનેગારોને શોધવા માટે તેનો અમલ કરવામાં આવશે. નાણાપ્રધાન પેટ્રિક બાયોવર્ટ, જેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્ય કરી રહ્યા છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસને કર્ફ્યૂ લાગુ કરવા અને તમામ ગુનેગારોની ધરપકડ કરવા માટે તમામ કાયદાકીય માધ્યમોનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સતત વધી રહેલા હુમલા
વડાપ્રધાન એરિયલ હેન્રી ગયા અઠવાડિયે વિદેશમાં ગયા હતા. શક્તિશાળી ગુનો આચરતા જૂથો સાથે દેશના સંઘર્ષને સ્થિર કરવા માટે યુ.એન. સમર્થિત સુરક્ષા દળની તૈનાતી માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરવા માટે. હૈતીના પોર્ટ ઓ પ્રિન્સ ખાતે સરકારી સંસ્થાઓ પર ગેંગ દ્વારા હુમલાઓ વધતાં ગયા સપ્તાહના અંતમાં શરૂ થયેલી હિંસામાં ગુરુવારથી ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થઈ ચુક્યા છે.


