- થરાદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાયું ખાતમૂહર્ત
- રૂ.54.16 કરોડના ખર્ચે તૈયાર થશે હોસ્પિટલ
- જિલ્લાના સરહદીય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે હોસ્પિટલ
બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો જિલ્લો છે. જિલ્લાના સરહદીય વિસ્તાર થરાદ, વાવ, સુઈગામ,ભાભર, દિયોદર સહિતના વિસ્તારોના લોકોને આરોગ્યની સુવિધાઓને લઈ જિલ્લા મથક પાલનપુરના ધક્કા ખાવા મજબૂર હતા અને તેને જ કારણે છેલ્લા કેટલાય વર્ષોથી થરાદ સહિત આસપાસના વિસ્તારના લોકોની માંગ હતી કે થરાદમાં મોટી હોસ્પિટલ બને.જો કે છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારના લોકો હોસ્પિટલની માંગ કરી રહ્યા હતા અને તે માંગ હવે સ્વીકારાઈ છે. લોકસભાની ચૂંટણીઓના ગણતરીના દિવસો પહેલા આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં થરાદ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ખાતમૂહર્તને લઈ ઈંટ મુકાઈ છે.
હવે સારવાર માટે દૂર નહી જવું પડે
3 માળની બનનારી આ હોસ્પિટલમાં ICCU,NICU સહિત 150 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે તો સાથે જ આગામી દિવસોમાં MRI સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની પણ વિધાનસભાના અધ્યક્ષે ખાતરી આપી છે ત્યારે જિલ્લાના સરહદીય વિસ્તાર એવા થરાદ ખાતે આધુનિક સુવિધાઓથી સુસજજ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થતા આ વિસ્તારના લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે વિસ્તારના લોકોનું કહેવું છે કે, હવે આ વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મેળવવા પાલનપુર કે અમદાવાદના ધક્કા નહીં ખાવા પડે અને ઘર આંગણે આ વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે.
લોકસભાની ચૂંટણીને લઈ કોની તરફ ઈશારો
બીજી તરફ લોકસભાની ચૂંટણીઓ પહેલા જ થરાદની આ હોસ્પિટલના ખાતમૂહર્ત દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સ્ટેજ પરથી આડકતરી રીતે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા કાકાના પૌત્રી રેખાબેનને જીતાડવા ઈશારો કર્યો છે અને શંકરભાઈએ કહ્યું છે કે, ગલબા કાકાએ જિલ્લામાં ડેરી ઉદ્યોગની ઈંટ મૂકી આ વિસ્તારના લોકોનું ભલું કર્યું છે અને ગલબાકાકાનું આપણી પર ઋણ છે સમય આવતા આપણે આ ઋણ ચૂકવવું પડશે.


