- પવિત્ર રમઝાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી
- 12 માર્ચથી UAEમાં શરૂ થશે પવિત્ર રમઝાન મહિનો
- જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓના કામના કલાકોમાં ઘટાડો
રમઝાન મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે, UAE સરકારે પોતાના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ખાસ જાહેરાત કરી છે. સરકારે જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો કામકાજના સમયમાં ઘટાડો કર્યો છે. 4 માર્ચ સોમવારના રોજ ફેડરલ ઓથોરિટી ફોર ગવર્નમેન્ટ હ્યુમન રિસોર્સિસ (FAHR) દ્વારા આને લગતો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
FAHR દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર અનુસાર, UAE સ્થિત તમામ મંત્રાલયો અને ફેડરલ એજન્સીઓ પવિત્ર રમઝાન માસ દરમિયાન સોમવારથી ગુરુવાર સુધી સવારે 9 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી કામ કરશે. જો કે, કેટલીક પરિસ્થિતિઓમાં કામનો સમય વધારી શકાય છે.
ફેડરલ ઓથોરિટી અનુસાર, શુક્રવારના રોજ કર્મચારીઓ ઓફિસને બદલે ઘરેથી કામ કરી શકશે. જેથી કરીને તેમને ઉપવાસ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. UAE દ્વારા લાગુ કરાયેલો આ નિયમ રોજા રાખનાર અને રોજા ન રાખનાર તમામ કર્મચારીઓને લાગુ પડશે. સરકારને આશા છે કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સુવિધા મળશે.
UAEમાં ક્યારથી શરૂ થશે રમઝાન?
દુબઈ ઈસ્લામિક અફેર્સ એન્ડ ચેરિટેબલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રકાશિત હિજરી કેલેન્ડર મુજબ, આ વર્ષે રમઝાન 12 માર્ચ 2024ના રોજ મંગળવારથી શરૂ થવાની સંભાવના છે. UAE માં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ‘શારજાહ રમઝાન ફેસ્ટિવલ’ ખૂબ પ્રચલિત છે. આ વર્ષે, ‘શારજાહ રમઝાન ફેસ્ટિવલ’ની 34મી સીઝન 8 માર્ચથી 13 એપ્રિલની વચ્ચે ઉજવવામાં આવશે.
‘શારજાહ રમઝાન ફેસ્ટિવલ’ દરમિયાન ભાગ લેનારાઓ માટે સ્પર્ધાઓ તેમજ મોંઘા ઈનામોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારની મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.


