જાફરાબાદના વાંઢ ગામે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો
જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોક્સો હેઠળ ગુનો દાખલ
અગ્ર ગુજરાત, જાફરાબાદ
જાફરાબાદ પંથકમાં માનવતાને શર્મસાર કરતો અને ભારે ચકચારભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વાડી વિસ્તારમાં રહેતા યુવકે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. ત્યારબાદ આરોપીએ સગીરાનો ગર્ભપાત કરાવી નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર સગીરાના કાકાએ જાફરાબાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી. ફરિયાદની વિગતો અનુસાર, જાફરાબાદના વાંઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામના વતની અલ્પેશ બાબુભાઈ વાઘેલા નામના શખ્સે વાડી વિસ્તારમાં સગીરા સાથે બળજબરીપૂર્વક અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સતત આચરવામાં આવેલા દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પોતાનું પાપ છુપાવવા માટે આરોપી અલ્પેશ વાઘેલાએ સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. એટલું જ નહીં આ કાળા કરતૂત અંગે જો કોઈને જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે આ ગંભીર મામલો સગીરાના પરિવાર સામે આવતા સગીરાના કાકાએ હિંમતભેર જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે જાફરાબાદ પોલીસે આરોપી સામે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એ. દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.


