- તેલંગાણામાં 56 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત/ઉદ્ઘાટન
- અમારા માટે વિકાસનો અર્થ છે ગરીબમાં ગરીબનો વિકાસ : મોદી
- જેમનું કોઇ નથી એ પણ મોદીના અને મોદી તેમનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડના 30થી વધુ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત/ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે આદિલાબાદની ધરતી તેલંગાણા જ નહીં પણ સમગ્ર દેશ માટે વિકાસની સાક્ષી બની રહી છે. આ પ્રોજેક્ટ્સ તેલંગાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે. વડાપ્રધાને લાલુ યાદવને પરોક્ષ રીતે જવાબ આપતા કહ્યું કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટીકરણમાં આકંઠ ડૂબેલા વિપક્ષી ગઠબંધનના નેતાઓ રઘવાયા થઇ રહ્યા છે. હું તેમના પરિવારવાદ સામે સવાલ ઉઠાવું છું તો હવે આ લોકોએ એમ બોલવાનું શરૂ કરી દીધું છે કે મોદીનો કોઇ પરિવાર નથી. હું તેમને કહેવા માગું છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જેમનું કોઇ નથી એ પણ મોદીના છે અને મોદી તેમનો છે. મારું ભારત જ મારો પરિવાર છે. અમારી સરકાર રાજ્યોના વિકાસ દ્વારા દેશના વિકાસના મંત્રને અનુસરે છે.નોંધનીય છે કે લાલુએ રવિવારે પટણામાં મહાગઠબંધનની રેલીમાં પરિવારવાદ મુદ્દે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને તેઓ હિન્દુ હોવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે અમારા માટે વિકાસનો અર્થ છે ગરીબમાં ગરીબનો વિકાસ, દલિત, વંચિત, આદિવાસીઓનો વિકાસ. અમારા પ્રયાસોના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ચૂક્યા છે. વિકાસનું આ અભિયાન આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપભેર આગળ વધારીશું. અબકી બાર, 400 પાર.
પીએમ મોદી મોટા ભાઈ સમાન : રેવંત રેડ્ડી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પીએમ મોદીને હિન્દીમાં સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે મારા હિસાબે વડાપ્રધાનનો મતલબ મોટા ભાઈ છે. તેમની મદદથી જ મુખ્યમંત્રી પોતાના રાજ્યને આગળ વધારી શકે છે. વડાપ્રધાનને મારી પ્રાર્થના છે કે જો તેલંગાણાએ આગળ વધવું છે, ગુજરાતની જેમ પ્રગતિ કરવી છે તો તમારી મદદની જરૂર પડશે. તમારા પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા ભારતને પાંચ મેટ્રોપોલિટન શહેર જોઈએ. હૈદરાબાદ તેમાં યોગદાન આપવા માગે છે. અમને મેટ્રો રેલમાં સપોર્ટ કરો. તમે સાબરમતી રિવરફ્રન્ટ વિકસિત કર્યો તે રીતે અમે મૂસી નદીને રિજનરેટ કરવા માગીએ છીએ.


