- 6 શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
- ચોખાની આડમાં કફ સીરપ ઝારખંડથી મોરબી લવાઈ
- ગોડાઉન સંચાલક મનીષ પટેલ સહિત 6 સામે ફરિયાદ
નશાની દુકાનો ચલાવનારાની દેશમાં કોઈ કમી નથી, તેવામાં મોરબીમાં નશાયુકત કફ સીરપનો જંગી જથ્થો મળી આવ્યો છે, મોરબીના એક ગોડાઉનમાંથી ૯૦ હજાર જેટલી કોડીન યુક્ત કફ સીરપ મળી આવી છે. જેને ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવી હતી અને અહીંથી તેનું રીપેકિંગ કરીને બીજે મોકલવાની હતી, પરંતુ એ પહેલા જ એલસીબીએ આ જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.
આર-ટાઈલ નામની કંપનીના ગોડાઉનમાંથી કફ સીરપ ઝડપાઈ
નાર્કોટિક્સ એક્ટ મુજબ 6 શખસો સામે ગુનો નોંધાઈ ચુક્યો છે અને આવનારા સમયમાં આ મામલે વધુ સ્ફોટક વિગતો બહાર આવી શકે છે. મોરબી એલસીબીના જાપ્તામાં રહેલ 3 શખ્સોને મોરબી એલસીબીએ નાર્કોટિક્સ એક્ટ મુજબના ગંભીર ગુનામાં ઝડપી લીધાં છે. મોરબીના રંગપર પાસે આવેલ આર ટાઈલ નામના કિચન સિંક બનાવતા ગોડાઉનમાંથી ૯૦ હજાર જેટલી કોડીનયુક્ત કફ સીરપ સાથે ઝડપી લીધા છે.
.84 કરોડની કફ સિરપની 90 હજાર બોટલ ઝડપી પાડતી LCB પોલીસ
મળતી માહિતી મુજબ, રવિવારની બપોરે એલસીબીએ બાતમીના આધારે રેડ કરીને ચોખાની આડમાં ઉતારવામાં આવેલા આ જંગી જથ્થાને ઝડપ્યો હતો સાથે રહેલ ટ્રક ચાલક ક્લીનર અને ગોડાઉનના સંચાલક મનીષ પટેલને ઝડપી લઇ કુલ ૬ શકશો સામે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. ગોડાઉન સંચાલક મનીષ પટેલ, માલ મંગાવનાર રવિ કંડીયા, ટ્રક ચાલક અને ક્લીનર તેમજ માલ મોકલનાર મસુદ આલમ સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે. રુ. 1.84 કરોડની કફ સિરપની 90 હજાર બોટલ સહિત 4.41 લાખની ચોખાની 630 બોરી અને ટ્રક મળી કુલ 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત
માલ મંગાવનાર તરીકે મોરબીના જેતપર ગામનો રવી કંડિયા
એલસીબીના હાથે 3 આરોપી તો લાગી ગયા છે, પરંતુ આ નશાયુક્ત કફ સીરપ મંગાવનાર અને આ કફ સીરપ મોકલનાર શખ્સ તેમજ એક અન્ય વ્યક્તિ જેની સાથે ફોન પર ટ્રક ચાલક સાથે સંપર્કમાં હતો. તે તમામ ૬ શકશો સામે હાલ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધાઈ ચુક્યો છે. જેમાં માલ મંગાવનાર તરીકે મોરબીના જેતપર ગામના રવી કંડિયા નામના શખ્સનું નામ બહાર આવ્યું છે.
કફ સિરપના કારોબાર અંગે પોલીસ તપાસ ચાલી રહી છે
જે ટાઈલ્સના ટ્રેડીંગ સાથે સંકળાયેલ છે, તો ત્રિપુરાના મસુદ આલમ નામના શખ્સની ભૂમિકા બહાર આવી છે જેની શોધખોળ શરુ કરવામાં આવી રહી છે. સાથોસાથ આ ગોડાઉનમાં અગાઉ માલ ઉતારવામાં આવ્યો હતો કે કેમ? અહીંથી ક્યાં કફ સીરપ મોકલવાના હતાં? આવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ ઝડપાયેલા આરોપીઓની પુછતાછ કરી રહી છે, તો આ કફ સીરપનું મેન્યુફેકચરથી લઇને આ સીરપ નકલી છે કે અસલી? જેવી બાબતોની ચકાસણી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સમાજ અને પરિવારને અપીલ કરાઈ
યુવાધન નશાના રવાડે ચડે તે માટે કફ સીરપનો ઉપયોગ થવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, ત્યારે આ કેસ સામે આવ્યાં બાદ જીલ્લા પોલીસ વડાએ જનતાને સતર્ક રહેવા અને સમાજ તેમજ પરિવારને થતાં નશાના નુકશાનથી બચવા નશાયુક્ત ડ્રગ્સના ઉપયોગ કરવાથી દુર રહે એવી અપીલ કરી છે.
અનેક સવાલોના જવાબો પોલીસ તપાસમાં બહાર આવશે
જ્યાં કિચનના સિંક બનતા હતાં તેવા આર ટેઈલ નામની આ જગ્યામાં પહોચેલ આ સીરપ રીપેકીંગ કરીને ક્યાં મોકલવાની હતી તે તો અગત્યનું છે જ. પરંતુ, સાથોસાથ માલ મોકલનાર ત્રિપુરાના મસુદ આલમ કોણ છે? તેનું નેટવર્ક દેશમાં કેવી રીતે કામ કરે છે? તેમજ આ નશાના કારોબારના છેડા ક્યાંક દેશદ્રોહીઓ સુધી તો જોડાયેલા નથી ને? તે ખુબ મોટો સવાલ છે, જેનો જવાબ કદાચ પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે.


