- યોગી સરકારની કેબિનેટનું કરાયુ વિસ્તરણ
- નવા ચાર મંત્રીઓને મળી જગ્યા
- આનંદીબેન પટેલે લેવડાવ્યા હોદ્દા- ગુપ્તતાના શપથ
યુપીમાં આજે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ચાર નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મંત્રી તરીકે શપથ લેનારાઓમાં સુભાસપા પ્રમુખ ઓપી રાજભર, બીજેપી MLC દારા સિંહ ચૌહાણ, સાહિબાબાદના બીજેપી ધારાસભ્ય સુનીલ શર્મા અને RLD પુરકાજીના ધારાસભ્ય અનિલ કુમારનો સમાવેશ થાય છે.
RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમાર
RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમાર યોગી સરકારમાં મંત્રી બન્યા છે. આજે રાજભવન ખાતે આયોજિત સમારોહમાં તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. તાજેતરમાં જ RLD એ NDA સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. અનિલ કુમાર તેમની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન કરાર હેઠળ યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે.
સુનીલ શર્માએ યોગી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા
સુનીલ શર્મા યોગી કેબિનેટમાં મંત્રી તરીકે સામેલ થયા છે. યુપી રાજભવનમાં આયોજિત સમારોહમાં તેમણે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. શર્માએ 2017 અને 2022ની યુપી ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદ સીટ પર રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.
દારા સિંહ ચૌહાણે મંત્રી પદના શપથ લીધા
દારા સિંહ ચૌહાણ યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે. છેલ્લી યુપી ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પાછા ફર્યા હતા. ધોસી બેઠક પર તેમણે પેટાચૂંટણી લડી પણ હારી ગયા હતા પરંતુ હવે તેઓ ભાજપમાંથી વિધાન પરિષદના સભ્ય છે.
ઓપી રાજભરે મંત્રી તરીકે શપથ લીધા
ઓમ પ્રકાશ રાજભર ફરી એકવાર યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે. સત્તારૂઢ ભાજપ સાથેના સંબંધો તોડીને સરકાર છોડ્યાના પાંચ વર્ષ બાદ ઓપી રાજભર ફરી એકવાર યોગી આદિત્યનાથ કેબિનેટમાં પરત ફર્યા છે.


