- સુપર ટ્યુઝડેના દિવસે અનેક રાજ્યોમાં થશે પ્રાઇમરી ચૂંટણી
- રાષ્ટ્રપતિ પદની દાવેદારીની રેસમાં નિક્કી-ટ્રમ્પ આમને-સામને
- ધીમે ધીમે વધી રહી છે નિક્કી હેલીની લોકપ્રિયતા
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદારીની રેસમાં ભારતીય મૂળની નિક્કી હેલી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ખરાબ રીતે પાછળ છે. 5 માર્ચ એટલે કે આજે રિપબ્લિકન પ્રાઈમરીનો સુપર ટ્યુઝડે છે અને અનેક રાજ્યોમાં એક સાથે પ્રાઈમરી ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં, એવું માનવામાં આવે છે કે આજે નિક્કી હેલીના ભાગ્યનો નિર્ણય થશે કે શું તે ભવિષ્યમાં ટ્રમ્પને પડકાર આપી શકશે કે પછી તેની યાત્રા અહીં પૂર્ણ થઈ જશે. સુપર ટ્યુઝડેને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પ અને હેલી જોરદાર પ્રચાર કરવામાં લાગી ગયા છે અને રિપબ્લિકન સમર્થકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુપર ટ્યુઝડેના દિવસે આ રાજ્યોમાં થશે પ્રાઇમરી ચૂંટણી
અમેરિકાની રાષ્ટ્રીય ચૂંટણીઓ પર નજર રાખતી વેબસાઈટ રિયલ ક્લિયર પોલિટિક્સે દાવો કર્યો છે કે ટ્રમ્પ નિક્કી હેલી કરતાં 60 ટકા પોઈન્ટ્સ આગળ છે. કોઈ પણ નિક્કી હેલી માટે વધારે આશા નાથી વ્યક્ત કરી રહ્યું. અનેક કાયદાકીય લડાઈઓ અને આરોપો છતાં ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા રિપબ્લિકન સમર્થકોમાં સૌથી વધુ છે અને હજારો લોકો ટ્રમ્પની રેલીમાં આવી રહ્યા છે. સુપર ટ્યુઝડે પર અમેરિકાના જે રાજ્યોમાં પ્રાઇમરી ચૂંટણી યોજાવાની છે તેમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલાબામા, વર્જિનિયા, ઓક્લાહોમા, અરકંસાસ, મેસેચ્યુસેટ્સ, ઉટા, મિનેસોટા, કોલોરાડો, મેન અને વર્મોન્ટનો સમાવેશ થાય છે.
ધીમે ધીમે વધી રહી છે નિક્કી હેલીની લોકપ્રિયતા
રાષ્ટ્રપતિ પદની દાવેદારી જીતવા માટે ઉમેદવારોએ 1215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. અત્યાર સુધીમાં ટ્રમ્પને 244 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે અને નિક્કી હેલીને માત્ર 43 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. ફ્લોરિડાના ભૂતપૂર્વ ગવર્નરને 9 ડેલિગેટ્સનું સમર્થન હતું અને વિવેક રામાસ્વામીને 3 ડેલિગેટ્સનું સમર્થન હતું, પરંતુ આ બંને નેતાઓએ રાષ્ટ્રપતિ પદની દાવેદારી છોડી દીધી છે અને ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જોકે, હેલીની લોકપ્રિયતા ધીરે ધીરે વધી રહી છે. હેલીએ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 28 મિલિયન ડોલરનું ભંડોળ એકત્રિત કર્યું છે. ઉપરાંત, નિક્કી હેલીએ સોમવારે કોલંબિયા પ્રાઇમરીમાં ટ્રમ્પને હરાવ્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે રિપબ્લિકન મહિલા ઉમેદવારે પ્રાઇમરી ચૂંટણી જીતી હોય. ઉપરાંત, નિક્કી હેલી કોઈપણ રાજ્યની પ્રાથમિક ચૂંટણી જીતનાર ભારતીય મૂળના પ્રથમ ઉમેદવાર છે.


