- ફલકે નાની વયે આં.રા. કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો
- રાષ્ટ્રીય કક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
- વાત્સલ્ય વિદ્યાલયમાં ધો. 7માં અભ્યાસ કરતી ફ્લકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું
નર્મદા જિલ્લાની ફ્લક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની રાજપીપલાની ગોલ્ડન ગર્લ છે. કહેવાય છે ને મોરના ઈંડા ચીતરવા ન પડે. ફ્લકના માતા-પિતાને પણ રમતમાં રૂચિ છે, જેના પરિણામ સ્વરૂપે માતા-પિતાના સંસ્કાર, ગુણો સહિત રમત પ્રત્યેની રૂચિ પણ ફ્લકને આપોઆપ મળી છે તેને કેળવવાની જરૂર ના પડી.
રાજપીપલાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધો. 7માં અભ્યાસ કરતી ફ્લકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું. ઇન્ડિવિડયુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અં. 14 એજ ગૃપમાં મેં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી છું. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ 2023 માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી.
કેરેલાના કોઝીકોડ ખાતે ફેબ્રુઆરી 2024 માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફ્લકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્લક ચંદ્રકાંત વસાવાએ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રીય છે. ફ્લકે જણાવ્યું કે, હું સવારે 2 કલાક અને સાંજે 3 કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફળવું છું.
ઉલ્લેખનીય છે કે, ફ્લકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રૂચિ હતી. તેઓએ જીમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ 1999 થી 2005 દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયો હતો.
પોતાની દીકરીની સફ્ળતાની સફ્રને બયાં કરતી વખતે મિકેતાબેન વસાવાની આંખો નમ થઈ હતી. તેઓએ એક માતાની સાથે કોચ બનીને રમતક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું, જેના પરિણામસ્વરૂપે આજે ફ્લક રમતક્ષેત્રે ઉંચી ઉડાણ ભરવા માટે તૈયાર છે. દીકરી ફ્લક જેવી રીતે મેડલો જીતી રહી છે. તેનો શ્રોય નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચને પણ જાય છે. વધુમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ દીકરી ફ્લકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી.


