- લાઇટ, પાણી અને વાહનપાર્કિંગ સાથે આરામની વ્યવસ્થા
- યાત્રાળુઓ માટે બે સમય ચા-પાણી, નાસ્તા અને મહાપ્રસાદીનું આયોજન
- બાહદૂર ભાઈ વી. વસાવા દ્વારા મેળા અંગે સુયોજન કરાયું
સાગબારા તાલુકાના દેવ મોગરા ગામે આવેલા આદિવાસીઓની કુળદેવી દેવ મોગરા માતાજીનો મેળો તા. 8 માર્ચથી 12 માર્ચ સુધી પાંચ દિવસ ભરાનાર છે. ત્યારે ગોડદા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ દેવ મોગરા ગામના સરપંચ રીનાબેન બાહદૂરભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના સભ્ય બાહદૂર ભાઈ વી. વસાવા દ્વારા મેળા અંગે સુયોજન કરાયું છે. મેળામા સુવ્યવસ્થા કરાઇ છે. દેવ મોગરા અને ગોડદા ગામ પાસે બાયપાસ રસ્તા માટે બેરીકેડિંગ, બાયપાસ રસ્તાથી લઈને મેળાની ચારેય તરફ્ દેવ મોગરાથી ગોડદા, દેવ મોગરાથી નાલા કુંડ સુધી લાઈટની વ્યવસ્થા, મેળા દરમિયાન ધૂળ ના ઉડે તે માટે ત્રણ પાણીના ટેન્કરની વ્યવસ્થા, મેળા દરમ્યાન સાફ્ સફઈ માટે 50 સફઈ કર્મચારીઓ, કચરાના નિકાલ માટે બે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનો માટે પાંચ જગ્યાઓ પાર્કિંગ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં ચગડોળની પરવાનગી માટે માગ કરાઇ
સાગબારા તાલુકા પંચાયત સભ્ય બાહદૂરભાઈ વી વસાવાએ જણાવ્યું હતું કે. ગત વર્ષે દેવ મોગરા માતાજીના મેળા સમયે મનોરંજન માટે ચગડોળની પરવાનગી આપવામાં આવી ન હતી. તેને કારણે યાત્રાળુઓમાં કચવાટ ફેલાયો હતો નારાજગી જોવા મળતી હતી. તાજેતરમાં ભરાનાર દેવ મોગરાના મેળા માટે યાત્રાળુઓના મનોરંજન માટે ચગડોળની પરવાનગી આપવામાં આવે એવી માંગણી કરી હતી.
તાલુકા પંચાયત સભ્ય દ્વારા તડામાર તૈયારીઓ
સાગબારા તાલુકા પંચાયતના સભ્ય બાહદૂર ભાઈ વી વસાવાએ જણાવ્યું હતું કે, દેવમોગરાથી દેડિયાપાડા તાલુકાના કણબીપીઠા સુધીનો 10 કિમી રસ્તો બિસ્માર છે. દેવ મોગરા મેળાના ગણત્રીના દિવસો બાકી છે. ત્યારે સત્વરે આશરે 10 કિમી રસ્તો નવો બનાવવા તેમણે માંગ કરી હતી. ગોડદા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ રીનાબેન બાહદૂરભાઈ વસાવા દ્વારા દેવમોગરા મેળા માટે તમામ તૈયારીઓ કરી છે.


