વેરાવળ પંથકમાં બેરોકટોક ખનીજ ચોરી અને પરિવહન થતી હોવાની ચર્ચાઓ વચ્ચે જિલ્લા કલેકટરની સુચનાથી વહીવટી તંત્રની ટીમે વેરાવળ નજીક હાઈવે ઉપર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી 10 ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો ઝડપી પાડયા છે. જેમાં 7 વાહનોને ઓવરલોડ સંદર્ભે રૂ.1.18 લાખ દંડ ફટકાર્યો છે. જયારે ખનીજ ભરેલ બે ટ્રક અને એક ટ્રેક્ટર સહીત 25 લાખના ત્રણ વાહનો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પંથકમાં ઓવરલોડીંગ ખનીજ ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાની સુચનાથી અધિક કલેકટર આર.જી.આલના અને પ્રાંત અધિકારી વિનોદ જોષીના માર્ગદર્શન હેઠળ મામલતદાર આરઝુ ગજજરની ટીમે ગતરાત્રીના વેરાવળ નજીક સુપાસી ગામના પાટીયે હાઈવે ઉપર સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ઓવરલોડીંગ લાઈમ સ્ટોન બેલા ભરેલા બે વાહનો, લાઈમ સ્ટોન ભરેલા 4 વાહનો તથા ઓવરલોડીંગ રેતી ભરેલ એક વાહનને ઝડપી લીધેલ હતા. ત્યારે સ્થળ પર આવેલ આર.ટી.ઓ.ની ટીમ દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ સાતેય વાહનોને રૂ.1.18 લાખનો સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સ્થળ ઉપર ખનીજ ભરેલા બે ટ્રક અને બિનવારસુ મળેલ એક ટ્રેકટર કિં.રૂ.25 લાખના વાહનો જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રીને સોપેલ છે. ત્યારે આ ત્રણેય વાહનોમાં રહેલ ખનીજ અને રોયલ્ટી અંગે ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી છે.


