- મોદીએ એક પિતાની જેમ સંદેશખાલીની પીડિતાઓની પીડા સમજી
- મમતા સરકાર સંદેશખાલીના ગુનેગારોને બચાવવા પૂરું જોર લગાવી રહી છે
- લાલુના પ્રહાર સામે કહ્યું – આખો દેશ મારો પરિવાર છે : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પિૃમ બંગાળની મુલાકાત દરમિયાન સંદેશખાલીની પીડિત મહિલાઓને મળ્યા હતા. આ દરમિયાન પાંચ પીડિતાઓએ વડાપ્રધાનને આપવીતી સંભળાવી હતી. વડાપ્રધાન મોદીને મળીને પીડિતાઓ ભાવુક થઇ ગઇ હતી કેમ કે મોદીએ એક પિતાની જેમ પીડિતાઓની પીડા સમજી અને તેમની વ્યથા ધ્યાનથી સાંભળી હતી. વડાપ્રધાને પિૃમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતમાં એક રેલીને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સંદેશખાલીની ઘટના અંગે તેમણે કહ્યું કે બંગાળની આ ધરતી નારીશક્તિની બહુ મોટી પ્રેરણાનું કેન્દ્ર રહી છે પણ ટીએમસીના રાજમાં આ ધરતી પર નારીશક્તિ વિરુદ્ધ ઘોર પાપ થયું. સંદેશખાલીમાં જે થયું તેનાથી કોઇનું પણ માથું શરમથી ઝૂકી જાય પણ ટીએમસી સરકારને તમારા દુઃખથી કોઇ ફેર નથી પડતો. એ તો ઊલટાનું ગુનેગારોને બચાવવા પૂરું જોર લગાવી રહી છે પણ તેને પહેલાં હાઇકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં આંચકો લાગ્યો છે.
નોંધનીય છે કે સંદેશખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેના સાથીઓ સામે મહિલાઓના જાતીય ઉત્પીડનનો અને જમીનો પચાવી પાડવાનો આરોપ છે. પોલીસે 29 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરી હતી.
વડાપ્રધાને ટીએમસી સરકારને ગ્રહણ ગણાવતા ઉમેર્યું હતું કે ટીએમસીના નેતાઓ ગરીબ, દલિત, આદિવાસી પરિવારોની બહેન-દીકરીઓ સાથે ઠેરઠેર અત્યાચાર કરી રહ્યા છે પણ ટીએમસી સરકારને તેના અત્યાચારી નેતાઓ પર ભરોસો છે, બંગાળની બહેન-દીકરીઓ પર ભરોસો નથી. તુષ્ટીકરણ અને ટોળાશાહીના દબાણ હેઠળ કામ કરતી ટીએમસી સરકાર ક્યારેય બહેન-દીકરીઓને સુરક્ષા નહીં આપી શકે. બંગાળ પર ટીએમસી નામનું ગ્રહણ લાગેલું છે, જે આ રાજ્યનો વિકાસ નથી થવા દેતું. રાજ્યની મહિલાઓમાં રોષ છે. સંદેશખાલીમાં નારીશક્તિનો જુવાળ પિૃમ બંગાળના ખૂણે ખૂણે પહોંચશે.
લાલુના પ્રહાર સામે કહ્યું – આખો દેશ મારો પરિવાર છે : પીએમ મોદી
વડાપ્રધાને બારાસાતની રેલીમાં જણાવ્યું હતું કે હું વર્ષો સુધી ખભે થેલો લઇને ફરતો રહ્યો પરંતુ એક પણ દિવસ ભૂખ્યો નથી રહ્યો. કોઇને કોઇ પરિવાર, કોઇને કોઇ બહેન પૂછી લેતી કે ભાઇ, કંઇ ખાધું કે નહીં? તેથી હું કહું છું કે આ 140 કરોડ દેશવાસીઓ જ મારો પરિવાર છે. કેન્દ્ર સરકારનું કામ જોઇને પિૃમ બંગાળ સહિત આખા દેશની માતાઓ-બહેનો કહી રહી છે કે અબકી બાર 400 પાર.


